- 26મી જાન્યુઆરી પૂર્વે….
- ગેરકાયદે ઘુષણ ખોરી કરાવનાર અને પોતાના નામે ભાડા કરાર કરાવી પનાહ આપનાર પરિચિતની ઓળખ મેળવવા દોડધામ
- બે માસ પૂર્વે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી કલકતા થઇ હાવડા એક્સપ્રેસ મારફત અમદાવાદ આવેલા બંને શખ્સોંને રંગપર ગામના પાટિયા પાસેથી ઝડપી લેતી રૂરલ એસઓજી ટીમ
ભારતના પ્રજાસતાક પર્વ 26મી જાન્યુઆરીના એક દિવસ પૂર્વે રાજકોટ શહેરની ભાગોળેથી રૂરલ એસઓજી ટીમે શંકાસ્પદ હિલચાલ કરતા બે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. બે માસ પૂર્વે બાંગ્લાદેશથી કોલકતાની બોર્ડરમાં ઘુસી હાવડા એક્સપ્રેસ મારફત અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવનાર બંને શખ્સોંને રંગપર ગામના પાટીયા નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે હવે આ બંને ઘુષણખોરોને ઘુષણખોરી કરવામાં મદદ કરનાર અને પડધરી ખાતે પોતાના નામે ભાડા કરાર કરાવી પનાહ આપનાર પરિચિત શખ્સની ઓળખ મેળવવા એસઓજી ટીમે દોડધામ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ ગ્રામ્ય પોલીસના એએચટીયુના પીઆઈ એમ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ વિરડા આંઉં મનોજભાઈ બાયલ પેટ્રોલિંગમાં હતા ત્યારે આ બંને શંકાસ્પદ શખ્સોં અંગે બાતમી મળતા સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપના પીઆઈ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી સી મિયાત્રા અને એસઓજી ટીમે એએચટીયુ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડી પડધરી તાલુકાના રંગપર ગામના પાટીયા નજીક આવેલી મારુતિ સોસાયટી બ્લોક નંબર 3માં તપાસ કરી બે શંકાસ્પદ શખ્સોંને ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સોંની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમની પાસેથી ભારતીય નાગરિક તરીકેનો કોઈ આધાર કે પુરાવો મળી આવ્યો ન હતો. વધુમાં બંને બાંગ્લાદેશથી ગેરકાયદે ઘુષણખોરી કરીને આવ્યા હતા તેવું જણાવ્યું હતું.
જે બાદ એસઓજી ટીમે સોહીલ હુશેન યાકુબઅલી (ઉ.વ.30 મૂળ વતન મોનીરામપુર જોસર થાના, જિલ્લો જોશર, રાજધાની ઢાંકા, બાંગ્લાદેશ) અને રિપોનહુસેન અમીરુલ ઇસ્લામ (ઉ.વ. 28 મૂળ વતન મોનીરામપુર જોસર થાના, જિલ્લો જોશર, રાજધાની ઢાંકા, બાંગ્લાદેશ) અને હાલ બંને રહે રંગપર ગામના પાટીયા પાસે મારુતિ સોસાયટી, ભુપતભાઈ ભરવાડ મણા મકાનમાં ભાડેથીવાળાને નજરકેદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ બંને શખ્સોં બે માસ પૂર્વે બાંગ્લાદેશથી ગેરકાયદે કોલકતાની સરહદના ઘુષણખોરી કરી હતી અને ત્યારબાદ કલકતાથી હાવડા એક્સપ્રેસ મારફત અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી રાજકોટ પહોંચ્યા હતા. ઘુષણખોરી કરવામાં એક પરિચિત શખ્સે તેમની મદદ કરી હતી તેમજ પડધરી ખાતે મકાન માટે પણ પરિચિત શખ્સે જ પોતાના નામે ભાડા કરાર કરાવી દીધાનું ખુલવા પામ્યું છે. ઉપરાંત આ બંને પડધરીના એક ખુબ મોટા અને પ્રસિદ્ધ પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કરતા હોય આ બંનેને કોઈ પણ આધાર પુરાવા વિના મજૂરીએ કેમ રાખવામાં આવ્યા તે દિશામાં પણ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.