ડેન્ગ્યૂ – ટાઇફોઇડના બબ્બે કેસ: કમળો કેડો મુકતો નથી
સામાન્ય તાવના 893 કેસ, શરદી-ઉધરસના 758 કેસ, ઝાડા-ઉલ્ટીના 208 કેસ નોંધાયા: મચ્છરોની ઉત્પતિ સબબ 414 આસામીઓને નોટિસ
શહેરમાં કોરોનાના કહેર વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. ગત સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂ અને ટાઇફોઇડ તાવના નવા બબ્બે કેસ મળી આવ્યા હતા. જ્યારે કમળા તાવના ચાર કેસ મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 414 આસામીઓને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ તાવના નવા બે કેસ મળી આવ્યા હતા. જ્યારે ટાઇફોઇડ તાવના બે કેસ, કમળાના ચાર કેસ નોંધાયા હતા. શરદી-ઉધરસના નવા 758 કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 893 કેસ અને ઝાડા-ઉલ્ટીના 208 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે કોર્પોરેશન દ્વારા વિતરિત કરવામાં આવતા પાણીના 518 નમૂના વિવિધ સ્થળેથી લેવામાં આવ્યા હતા. જેના ક્લોરીન ટેસ્ટ કરાયા છે. તમામના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે 38893 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડ વર્કરો દ્વારા 287 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બિન રહેણાંક હેતુની 799 મિલકતોમાં મચ્છરની ઉત્પતિ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 80 જગ્યાએથી મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. જ્યારે રહેણાંક હેતુની મિલકતોમાં ચેકીંગ દરમિયાન 334 સ્થળેથી મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે.