ધ્રોલ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસની ઠોકરે બે પિતરાઈના મોત

વોલ્વો બસના ચાલકે બાઈકને હડફેટે લેતા બંને ભાઈઓને કાળ ભેટયો: પરિવારમાં માતમ

 

અબતક,સંજય ડાંગર, ધ્રોલ

ધ્રોલ પાસે ગત રશત્રીનાં સમયે વોલ્વો ટ્રાવેલ્સ બસના ચાલકે બાઈકને હડફેટે લેતા બે પિતરાઈ ભાઈના કરૂણ મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ નજીક સરમરીયા દાદા પાસે ગત સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પિતરાઈ ભાઈના મોત નિપજયા હતા.

આ અંગે ગાયત્રીનગરમાં રહેતા અકબરભાઈ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ભાઈ અલતાફ અલીભાઈ રાઠોડ ઉ.25 અને તેના માસીયાર ભાઈ અસલમ મુસાભાઈ મકવાણા ઉ.15 બંને જી.જે.10 બી.એન. 0781 નંબરનું બાઈક લઈ વાગુદળ તરફ જતા રોડ પર પહોચ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે ઘસી આવેલી જી.જે.1 ડીઝેડ 4448 નંબરની ખાનગી વોલ્વો બસના ચાલકે હડફેટે લેતા બંને પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘવાયા હતા.

અકસ્માતનાં પગલે બંને ભાઈઓને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે બંને ભાઈઓને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો. પોલીસે અકબર રાઠોડની

ફરિયાદ પરથી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.