યુવકને ઢોર મારમારી લૂંટી લેનારા બે રીઢા ગુનેગાર ઝડપાયા

મોબાઈલ દુકાનમા નોકરી કરતા યુવકના પાડોશી સહિત ત્રણ શખ્સોએ બાઈકમાં બેસાડી રૂ.5.25 લાખની લૂંટને અંજામ આપ્યો ‘તો: એકની શોધખોળ

શહેરના સાધુવાસવાણી રોડ પર ગુરુજીનગર આવાસ નજીક બે દિવસ પહેલા યુવાનને માર મારી રૂ.5.25 લાખની લૂંટ ચલાવી નાસી ગયેલા ત્રણ શખ્સ પૈકી બે શખ્સને મવડી વિસ્તારમાંથી પકડી પાડ્યા છે.અગાઉ બન્ને શખ્સો પોલીસને ચકમો આપી સાંખીયાળી પાસેથી નાશી છૂટ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સાધુવાસવાણી રોડ, કૈલાસપાર્ક-9માં રહેતા અને મોબાઇલની દુકાનમાં નોકરી કરતા દેવેન રાજેશભાઇ જોટાણિયા નામના યુવાનને ત્રણ દિવસ પહેલા ઘર પાસે રહેતો હાર્દિક હરદેવસિંહ જાડેજા, રામ કારાવદરા સહિત ત્રણ શખ્સ બળજબરીથી તેના જ ટુ વ્હિલરમાં બેસાડી ગુરુજીનગર શાકમાર્કેટ પાસે લઇ જઇ માર મારી પેઢીના રોકડા રૂ.5.25 લાખની લૂંટ ચલાવી કારમાં નાસી ગયા હતા.આરોપી હાર્દિકે પૈસા આપી દેવાની વાત કર્યા બાદ ફરી જતા યુવાને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. દરમિયાન લૂંટના ગુનામાં વપરાયેલી કાર સાથે બે આરોપી મવડી રામધણ પાસે આવેલા શિવ ગેરેજે આવ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે તુરંત ત્યાં દોડી જઇ મૂળ વાંસજાળિયાનો અને રાજકોટમાં જામનગર રોડ પર રહેતો રામ પુંજા કારાવદરા અને વાંસજાળિયાના માલદે લીલા ગરેજાને કાર સાથે પકડી પાડ્યા હતા. લૂંટના ગુનાનો સૂત્રધાર હાર્દિક જાડેજા હજુ નાસતો ફરતો હોય તેને પકડવા તેમજ લૂંટી લીધેલી રોકડ રકમ કબજે કરવા પોલીસે બંને આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. રામ કારાવદરા સામે પોરબંદરમાં મારમારી સહિત ચાર ગુના અને માલદે ગરેજા સામે પોરબંદર, જામનગર પંથકમાં બે ગુના અગાઉ નોંધાયા હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે.

પીએસઆઇ જાડેજાએ જણાવ્યું કે, લૂંટના બનાવ બાદ આરોપીઓને ઝડપી લેવા સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી. ત્યારે લૂંટમાં વપરાયેલી કાર માળિયા મિયાણા પાસે જોવા મળી હોવાની માહિતી મળી હતી. જેથી તુરંત એક ટીમને સામખિયાળી પાસે આડસો ગોઠવી વોચ રાખી હતી. તે સમયે કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોઇ કારને ભગાવી મૂકી હતી. અને સામખિયાળી ટોલનાકે વધુ ટ્રાફિકનો લાભ લઇ નાસી છૂટવામાં સફળ રહ્યાં હતા.