Abtak Media Google News

રાજકોટ પોલીસ બેડામાં હાલ બે મહિલા કોન્સ્ટેબલની કાર્યવાહીની ભારે ચર્ચા થઇ રહી છે. ફાયરિંગના વાયરલ વીડિયો અને પ્રોહીબીશનના કેસમાં કોંગ્રેસના કાર્યકર ચાંદની પિયુષ લિંબાસીયાના ઘરે દરોડા પાડવા મહિલા પોલીસ સહિત ટીમ પહોંચી હતી. જો કે આરોપી દ્વારા મકાનનો દરવાજો 20 મિનિટ સુધી ખોલ્યો ન હતો. આથી બે મહિલા કોન્સ્ટેબલ ગાયત્રીબા અને નેહલબેને હિમ્મત દાખવી મકાનના પાઇપની મદદથી છત સુધી પહોંચ્યા હતા અને ઘરની અંદર જઇને દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખુલતા જ ક્રાઇમ બ્રાંચની રેડિંગ પાર્ટી આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.

પોલીસ કમિશનરે કરી ઇનામની જાહેરાત

આરોપીને પકડવા માટે મહિલા કોન્સ્ટેબલે કરેલી આગવી કાર્યવાહીની નોંધ ખુદ પોલીસ કમિશનરે પણ લીધી હતી અને બંને કોન્સ્ટેબલને રૂપિયા 15 હજારનું ઇનામ જાહેર કરી તેઓની કામગીરીની સરાહના પણ કરી છે. બીજી બાજુ બંને જાંબાઝ મહિલા કોન્સ્ટેબલની કામગીરીની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં એક મહિલા દ્વારા ફાયરિંગ કરતાં હોવાનો વીડિયો વાયરલ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમે મહિલાની ઓળખ કરી તેના ઘરે દરોડા પાડ્યા હતા, દરોડા કામગીરી દરમિયાન પોલીસની ટીમને બગાસુ ખાત પતાસુ મળ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. દરોડા દરમિયાન પોલીસને એક હાઇફાઇ દારૂનો બાર મળી આવ્યો હતો. આથી પોલીસે પ્રોહિબીશન અને વાયરલ વીડિયોના ગુના અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર બાબતે આરોપીની અટકાયત કરવા માટે ક્રાઇમ બ્રાંચની રેડિંગ પાર્ટી ચાંદની લિંબાસીયાના ઘરે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના આગલા દિવસે કાર્યકરની અટકાયત થતા રાજકોટ શહેર કોગ્રેસના આગેવાનો દોડતા થયા હતા અને પોતાના કાર્યકરની ધરપકડનો વિરોધ કરી પોલીસ કમિશનરના બંગલા બહાર ધરણા પણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.