- આતંકી ષડયંત્રને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન
જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે મોટો વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે. આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે આ બ્લાસ્ટમાં બે સૈનિકો શહીદ થયા છે, જ્યારે અન્ય એક સૈનિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે સૈનિકો એલઓસી પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તેને આતંકીઓના ષડયંત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે.
સેનાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આઈઈડી બ્લાસ્ટ બપોરે 3:30 વાગ્યાની આસપાસ થયો હતો, જેનું લોકેશન એલઓસી નજીક જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં છે. આ બ્લાસ્ટમાં 2 સૈનિકો શહીદ થયા છે. જ્યારે એક સૈનિક ઇજાગ્રસ્ત થયો છે.
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર સેનાની ટીમ એલઓસીની નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકીઓએ આઈઈડીનો વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં ત્રણ સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે સારવાર દરમિયાન શહીદ થયા હતા. અત્યાર સુધીની જાણકારી મુજબ આ આઈઈડીને આતંકીઓએ પ્લાન્ટ કર્યું હતો. આઈઈડી બ્લાસ્ટ બાદ તરત જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હજુ પણ આતંકીઓ ઘટનાસ્થળની આસપાસ છૂપાયા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ આ સમયે આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પાકિસ્તાન તરફી આતંકવાદીઓનું નાપાક કૃત્ય છે. તેમના દ્વારા આઈઈડી લગાવવામાં આવ્યું હતું. જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં મોર્ટાર શેલ મળી આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે નિષ્ક્રિય કરી દીધો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે લગભગ 10 વાગ્યે નામંદર ગામ નજીક પ્રતાપ કેનાલમાં કેટલાક સ્થાનિક લોકોએ મોર્ટાર શેલ જોયો હતો.