જામનગરના બે જીગરજાન મિત્રોના લીંબડી પાસે માર્ગ અકસ્માતમાં મોત

અમદાવાદથી પરત ફરતી વેળાએ કાર પલ્ટી મારતા કરૂણાંતિકા સર્જાઈ: ડીજેના તાલે બંનેની અંતિમયાત્રા નિકળી

જામનગરમાં રહેતા બે જીગરજાન મિત્રો અમદાવાદથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે લીંબડી પાસે કાર પલ્ટી મારી જતાં બંને મિત્રોના કમકમાટીભર્યા મોત નિપજતા કરૂણાંતિકા સર્જાઈ હતી. બંને મિત્રોના પરિવારજનોએ ડીજેના તાલે અંતિમયાત્રા કાઢી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનના મોત થયા હતા. જ્યારે બન્નેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક જામનગરના વિનય પંચોળી અને કેતન ઓઝા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિનય પંચોળી દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો જેને લેવા માટે જામનગરથી મિત્રો કાર લઈને અમદાવાદ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ લીંબડી પાસે કાર પલ્ટી મારી જતાં વિનય અને કેતનના કરૂણ મોત નિપજયા હતા.

અકસ્માતમાં કાળને ભેટેલા બન્ને મિત્રોના મૃતદેહને જામનગર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બન્ને મિત્રોની ડીજેના તાલ પર અંતિમયાત્રા યોજવામાં આવી હતી.