- સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પંચ દિવસીય
- રેસકોર્ષ મેદાનમાં કાલે પદ્મશ્રી સન્માનીત આઈઆઈટીઅન ડો.અનીલ ગુપ્તા ઈનોવેશન સ્ટાર્ટઅપ અંગે આપશે ખાસ માર્ગદર્શન
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તા. 01 થી 05 ફેબ્રુઆરી દરમ્યાન રેસકોર્ષના મેદાનમાં ચાલી રહેલા એજ્યુકેશન એક્સ્પોમાં પ્રથમ ત્રણ દિવસમાં બે લાખથી વધારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, અને જનતાએ મુલાકાત લઈ આભિભૂત થયા હતા. મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એસ્પોનો સમય સવારના 09:30 થી 07:30 ને બદલે 09:30 થી રાતે 09:00 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. રાત્રે 9:00 કલાક બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો એકસ્પોનું એક અનેરુ આકર્ષણ બની રહ્યા છે.
તા. 05 ફેબ્રુઆરીના બપોરે 12:00 થી 01:00 દરમ્યાન આઇઆઇટીઅન અને પદ્મશ્રી ડો. અનિલ ગુપ્તાના ખાસ વક્તવ્યનું આયોજન કરવામાં આવેલું છે. ડો. અનિલ ગુપ્તા ગ્રાસરૂટ ઇનોવેશનના ક્ષેત્રમાં ભારતીય વિદ્વાન અને હની બી નેટવર્કના સ્થાપક છે. તેઓને મેનેજમેન્ટ એજ્યુકેશનમાં યોગદાન બદલ 2004ની સાલમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ડો. ગુપ્તાએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાં ચાર દાયકા વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપી છે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમો વિકસાવ્યા છે. તેમના સૌથી લોકપ્રિય અભ્યાસક્રમોમાંના એક એવા શોધ યાત્રા (એટલે કે ’રિસર્ચ વોક’) નો સમાવેશ થાય છે, જે અંતર્ગત તેઓ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સ્થાનિક સમુદાયો પાસેથી શીખવા અને તેમની જ્ઞાન પ્રણાલીનો અભ્યાસ કરવા દેશના વિવિધ ભાગોમાં લઈ ગયા હતા અને તેમની કલા અને આવડત શીખવા પ્રયાસો કર્યા હતા. આવતી કાલે યોજાનાર વક્તવ્યમાં તેઓ સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્ષેત્રમાં કયા પ્રકારે આગળ વધી શકાય તે વિષય પર વિદ્યાર્થીઓને અને યુવાનોને માર્ગદર્શન આપનાર છે.
હજુ 2 દિવસ ચાલનાર આ એજ્યુ એક્સ્પોની મુલાકાત લેવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકો તથા પ્રિ પ્રાઇમરી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ તેમજ તમામ કોલેજ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક મહાકુંભની મુલાકત લઈને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આયોજનમાં સહભાગી બનવા તથા જુદી જુદી સ્પર્ધાઓ, સેમિનાર, વર્કશોપમાં ભાગ લેવા માટે આહવાન કર્યુ હતુ.