- દૂષિત પાણીના કારણે શહેરમાં ફરી પાણીજન્ય રોગચાળો વકર્યો: મચ્છરોની ઉત્પતિ સબબ 174 આસામીઓને નોટિસ
શહેરમાં મચ્છરોનો ત્રાસ ઓછો થયો ત્યાં દૂષિત પાણીનો દેકારો શરૂ થઇ ગયો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ગત સપ્તાહે ડેન્ગ્યૂના પણ નવા બે કેસ નોંધાયા હતા. જ્યારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી અને તાવના 2000 કેસ મળી આવ્યા હતા. મચ્છરોની ઉત્પતિ સબબ 174 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યૂ તાવના નવા બે કેસ મળી આવ્યા હતા. ચાલુ સાલ ડેન્ગ્યૂના કુલ કેસનો આંક 11 થયો છે. મેલેરિયા અને ચીકનગુનિયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી-ઉધરસના 901 કેસ, સામાન્ય તાવના 852 કેસ, ટાઇફોઇડ તાવના ત્રણ કેસ, ઝાડા-ઉલ્ટીના 229 કેસ અને કમળાના નવા ચાર કેસ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા એક સપ્તાહમાં 20253 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ફિલ્ડ વર્કરો દ્વારા 589 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરજન્ય રોગચાળો ચોક્કસ ઘટ્યો છે. સાથોસાથ મચ્છરોનો ઉપદ્રવ પણ ઘટ્યો છે પરંતુ દૂષિત પાણી વિતરણની સમસ્યાના કારણે શહેરમાં હવે પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું હોય તેવું લાગી રહ્યું છે.
બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5 અને સરકારી કચેરી સહિત બિન રહેણાંક હેતુની 167 મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત 41 સ્થળેથી મચ્છરોના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. જ્યારે બિન રહેણાંક હેતુની 153 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી છે.