- શરદી-ઉધરસના 991, સામાન્ય તાવના 812, ઝાડા-ઉલ્ટીના 184, ટાઇફોઇડ તાવના બે અને કમળાનો એક કેસ નોંધાયો: મચ્છરની ઉત્પતિ સબબ 521 આસામીઓને નોટિસ
બેવડી સિઝનમાં ફરી એક વખત રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ગત સપ્તાહે ડેન્ગ્યૂના વધુ બે કેસ મળી આવ્યા હતા. જ્યારે તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2000થી વધુ કેસો નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 521 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે શહેરમાં મેલેરિયા અને ચીકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે ડેન્ગ્યૂ તાવના નવા બે કેસ નોંધાયા છે. નવા વર્ષમાં એટલે કે દોઢ મહિનાના સમયમાં ડેન્ગ્યૂના કુલ સાત કેસ નોંધાઇ ચુક્યા છે. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 991 કેસ, સામાન્ય તાવના 812 કેસ, ઝાડા-ઉલ્ટીના 184 કેસ, ટાઇફોઇડ તાવના બે કેસ અને કમળાના કુલ એક કેસ સહિત રોગચાળાના 2020 કેસો નોંધાયા છે.
રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખાની અલગ-અલગ ટીમો દ્વારા 33,197 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડ વર્કરો દ્વારા 1093 ઘરોમાં ફોગીંગ કરાયું હતું. જ્યાં માનવ સમુદાય વધુ માત્રામાં એકત્રિત થતો હોય તેવી સોસાયટીઓ, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓમાં માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવ્યું હતું.
બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોસ્ટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત બિન રહેણાંક હેતુની 718 મિલકતોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 189 સ્થળોએ મચ્છરોના લારવા મળી આવતા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે રહેણાંક હેતુની 332 મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો માહોલ જોવા મળે છે. જ્યારે બપોરે ઉનાળા જેવી આકરી ગરમીના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેવું લાગી રહ્યું છે.