ઇકોનોમીનાં બે વિરોધાભાસ: વૈશ્વિક મંદીનાં ભણકારા વચ્ચે પણ લક્ઝરી આઇટમોની ખરીદી પુરબહાર

વૈશ્વિક ઇકોનોમી હાલમાં બે તદ્દન વિરોધાભાષી થિયરી પર ચાલી રહી છે. કોવિડ-19 અને યુક્રેન યુધ્ધ બાદ ફૂગાવાનો વધારો, નાણાભીડ, કામદાર વર્ગની બેરોજગારી તથા શ્રીલંકા, ગ્રીસ તથા પાકિસ્તાન જેવા દેશોની નાદારીથી ગભરાટ ફેલાયો છે, છેલ્લા બે મહિનામાં વિશ્વની તમામ વિકસીત તથા વિકાસશીલ ઇકોનોમીઓને વ્યાજદરમાં વધારા કરવા પડ્યા છે. વેપારીઓનાં પેમેન્ટ નીકળતાં નથી તો બીજીતરફ રોકડાનો કારોબાર કરનારા, મનોરંજન સેક્ટરનાં મહારથીઓ, ખાણીપીણીની ડિલીવરી કરનારાઓ, નાણાં ઉસેડી રહ્યા છે.

આજરીતે શ્રીમંત વર્ગને ક્યાંય મો મઘવારી નડતી નથી જેનો જીવતો દાખલો છૈ, હાલમાં જ બજારમાં ઓફર થયેલી બે લક્ઝરી રેન્જની કારનું બુકિંગ.     ગત સપ્તાહે મહિન્દ્રા ગ્રુપની સ્કોર્પિયો-એન સિરીઝની કારનું બુકિંગ શરૂ થયાને 30 મિનીટમાં જ એક લાખ કારનું બુકિંગ થઇ ગયું હતું. આવી જ રીતે વોલ્વો ની એક્સ.સી-40 ઇલેક્ટ્રિક કારનું બુકિંગ બે કલાકમાં જ ફૂલ થઇ ગયું હતું. અહીં સવાલ એ ઉભો થાય છે કે વિશ્વમાં મંદીનાં ડાકલાં વાગે છૈ પણ કોના ઘરમાં??!

મંદી અને બેકારીના પડછાયાથી દૂર શ્રીમંત વર્ગ

ગત સપ્તાહે મહિન્દ્રાગ્રુપની સ્કોર્પિયો-એન સિરીઝની ઝેડ-2, ઝેડ-4, ઝેડ-6. ઝેડ-8 તથા ઝેડ-8 લક્ઝરી એમ પાંચ મોડેલના બુકિંગ ખુલ્યા હતા. કંપનીને એક લાખ મોડેલનું બુકિંગ કરવાનું હતું જે અડધા કલાકનાં ગાળામાં પુરૂં પણ થઇ ગયું. મહિન્દ્રાઐ 18000 કરોડ રૂપિયાની કારનું વેચાણ એ પણ ઓનલાઇન, ગણતરીની મિનીટોમાં કરી લીધું. યાદ રહે કે આ ઐસયુવી કારની રેન્જ્ આશરે 12 લાખ રૂપિયાથી શરૂ થઇને 22 લાખ રૂપિયાની  છે. એમાં પણ જે રાજ્યોમાં ટેક્ષ વધારે હશે ત્યાં આ કાર ગ્રાહકને 30 લાખ રૂપિયામાં પડશે.  લોકોનો ધસારો એટલો હતો કે બુકિંગ શરૂ થયાને પ્રથમ એક મિનીટમાં જ 25000 કારનું બુકિંગ થયું છે.

ગત સપ્તાહે જ આવો બીજો દાખલો જોવામળ્યો છે. જેમાં વોલ્વોની લક્ઝરીયસ ઇલેક્ટ્રિક કારનું બુકિંગ શરૂ થયું અને માત્ર બે કલાકમાં કંપનીને 2022 નાં અંત સુધી ડિલીવરી થઇ શકે એટલું બુકિંગ મળી ગયું છે. યાદ રહે કે આ લક્ઝરી કારની એક્સ-શો રૂમ કિંમત આશરે 56 લાખ રૂપિયા છે.

હવે કંપની ઓક્ટોબર-22 માં ગ્રાહકોને ડિલીવરી ચાલુ કરશે. આ કારનું બુકિંગ કરનારા કોઇપણ ગ્રાહક પાસે શું હાલમાં કાર નહીં હોય? શું કોઇપણ ગ્રાહકને આજની કહેવાતી મંદીમાં નવી કાર લીધા વિના ચાલે તેમ જ નહીં હોય? સવાલ પોતે જ જવાબ આપે છે કે આ ગ્રાહકોએ પોતાના શોખ પુરા કરવા કે વોલ્વો બ્રાન્ડને પોતાના પાર્કિંગમાં જમા કરવા માટે આ બુકિંગ કર્યુ છે.

આ બે ઉદાહરણ ઉપરાંત બજારોમાં રોકડાંનો વેપાર કરનારા, ખાણી-પીણી વાળા કે સિનેમાઘર વાળાને ગ્રાહકની રાહ જોવી પડતી નથી. મધરાતે સ્વીગી, ઝોમેટો કે એમેઝોનનાં ડિલીવરી વાહનો રસ્તા ઉપર દોડતાં હોય છે. ઓનલાઇન શોપિંગ કરનારા એક સાથે બે કે ત્રણ જોડી કપડાંનાં ઓર્ડર આપી રહ્યા છે. આ એક એવો વર્ગ છે જે કોવિડ-19 નાં વર્ક ફ્રોમ હોમનાં કલ્ચરને અનુરૂપ થઇ ગયા છે. તેમના ટ્રાવેલિંગ તથા અન્ય ખર્ચ બચ્યા છે. તેથી તેઓ અન્ય દિશામાં ખર્ચ કરી રહ્યા છે.

મંદી અને મોંઘવારીથી ભિંસાતી વૈશ્વિક ઇકોનોમી અને આમ જનતા

સતત વધતા ફુગાવાથી પરેશાન અમેરિકા, યુરોપ અને એશિયાનાં મોટાભાગનાં દેશોને વ્યાજદરમાં વધારા કરવા પડ્યાં છે. હવે આગામી દિવસોમાં નાણાંની હેરફેર ઘટશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ( આઇ.એમ.એફ) ને ગત સપ્તાહે ફરી ચેતવણી આપવી પડી છે કે જો ધ્યાન નહી રાખીઐ તો વૈશ્વિક ઇકોનોમી ભયાનક મંદીમાં ધકેલાઇ શકે છે. આઇ.એમ.એફ દ્વારા એપ્રિલ-22 માં ગ્લોબલ જીડીપી ગ્રોથ 3.6 ટકા રહેવાનું અનુમાન મુકાયું હતું જે હવે ઘટાડીને 3.2 ટકા કરવામાં આવ્યું છે. રશિયા તથા ચીનનાં કારણે બીજા માસિકગાળામાં વૈશ્વિક જીડીપી નેગેટિવ રહ્યો હતો. જેના પરિણામે હવે 2023 ના વûધ્ધિદરનું પણ ઘટાડીને 2.9 ટકા કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગ્લોબલ ઇકોનોમીની પણ દર ચાર- પાંચ વર્ષની તેજી-મંદીની સાયકલ હોય છે. પણ હવે કદાચ બે વર્ષમાં ફરી મંદી આવી શકે છે.

1970 ના વર્ષ પછી એટલે કે છેલ્લા પાચ દાયકામાં ગ્લોબલ ગ્રોથ રેટ બે ટકા કે તેથી નીચે રહ્યો હોવાનું પાંચ વાર બન્યું છે. જેમાં એકવાર બે વર્ષ પહેલા કોવિડ-19 નાં સમયગાળામાં જોવા મળ્યું હતું. હવે જો રશિયાની ક્રુડતેલની નિકાસ યુરોપનાં પ્રતિબંધોનાં કારણે હજુ 30 ટકા ઘટે તો ફરી એકવાર આ ગ્રોથ રેટ બે ટકા થઇ જશે. જો આવું થશે તો 2023 માં યુરોપ તથા અમેરિકાનો ગ્રોથ રેટ શુન્ય રહેશે.

આઇ.એમ.એફ એ જણાવી દીધું છે કે અમેરિકાનો વધ્ધિદર 2022 માં 2.3 ટકા તથા 2023 માં માંડ એક ટકા જેટલો રહેશે. જ્યારે ચીનનો ઘટીને 3.3 ટકા જેટલો થઇ જશે.  અહીં ચીનનું  રિયલ એસ્ટેટ સેક્ટર ધરાશયી થવાની અને તેને પગલે બેંકિંગ સેક્ટર લોહીલુહાણ થવાની ભિતી વ્યક્ત કરાઇ છે. અહીં યુરોપના વûધ્ધિદરનો અંદાજ ઘટાડીને  2.6 ટકા તથા જર્મની જેવા અમુક દેશોમાં તો તે 1.2 ટકા જેટલો અંદાજાયો છે. અહીં ભારતના વûધ્ધિ દરનો અંદાજ પણ ઘટાડીને 7.4 ટકા કરાયો છે. તમામ ઇકોનોમીની પાયમાલી વૈશ્વિક મંદીનાં સંકેત આપે છે.

જીડીપીના આંકડાને આવશ્યક ચીજ વસ્તુઓનાં ભાવ સાથે સીધો સંબંધ નહોવા છતાં આડકતરો સંબંધ છે.  પણ આવશ્યક ચીજોના ભાવનો વધારો બે ટંકની રોટી માટે મજૂરી કરતા ગરીબ કે મધ્યમ વર્ગને દઝાડી શકે. 20 કે 50 લાખની કારની ખરીદી કરનારને ખાસ અસર ન કરે એ પોણ એટલું જ કડવું સત્ય છે.