Abtak Media Google News

રેન્જ આઈજી હસ્તકના રેપિડ રિસ્પોન્સ સેલની ટૂકડીએ ભચાઉ સ્માર્ટ પોલીસ મથકના સ્ટાફને ઊંઘતો રાખી વોંધ નજીક વહેલી પરોઢે દરોડો પાડી ૧૬ લાખની કિંમતના અંગ્રેજી શરાબના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

નાઈટ પેટ્રોલિંગમાં રહેલી આર.આર.સેલની ટીમે બાતમીના આધારે વોંધ ગામના જીઈબી સબ સ્ટેશન પાછળ સરકારી પડતર જમીનમાં બાવળોની ઝાડીઓમાં દરોડો પાડી તેમાં છૂપાવાયેલાં અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. સ્થળ પરથી પોલીસે સાંતલપુર તાલુકાના વારાહી ગામના અયુબખાન યુસુફખાન જત મલેક અને ભચાઉની સર્વોદય સોસાયટીના રબારીવાસમાં રહેતા હિતેશ શામજીભાઈ મણકાની ધરપકડ કરી હતી.

પોલીસને જોઈ બંને જણે નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે પાર્ટી સ્પેશિયલ વ્હિસ્કીની ૪૨૦૦ નંગ બોટલ અને મેકડોવેલ્સ વ્હિસ્કીની ૩૯૬ નંગ બોટલ મળી ૧૬ લાખ ૮૬૦૦ રૂપિયાનો શરાબ જપ્ત કર્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે ૭૫૦૦ની કિંમતના ૪ નંગ મોબાઈલ, વીસ હજાર રૂપિયાની કિંમતની એક મોટર સાયકલ મળી કુલ ૧૬૩૬૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ભચાઉમાં અગાઉ પણ અનેકવાર આર.આર.સેલએ દરોડા પાડી મોટી માત્રામાં શરાબનો જથ્થો જપ્ત કરેલો છે. જેમાં બેદરકારી દાખવવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ વિરુધ્ધ પણ કાર્યવાહી કરાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.