Abtak Media Google News

બાઇક પર બંને લૂંટારા ચોટીલા તરફ ભાગી જતા પોલીસે નાકાબંધી કરાવી: છરીથી હુમલો કરતા ઉદ્યોગપતિ ઘાયલ: જાણભેદુની સંડોવણીની શંકા

 

અબતક- ઋષિ મહેતા- મોરબી

વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે ગત સાંજે એક ઉદ્યોગપતિની કાર પર પથ્થરમારો કરી છરીથી હુમલો કરીને રૂ.27 લાખની લૂંટ ચલાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર આવેલા બે લૂંટારાઓએ ઉદ્યોગપતિ પર છરી વડે હુમલો કરી લૂંટ ચલાવી બાઇક પર ચોટીલા તરફ નાસી જતા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથધરી છે. પોલીસને ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણીની શંકા પણ સેવાઇ રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરથી બે કિલોમીટર દૂર આવેલા ચંદ્રપુર ગામની સીમમાં વિકાસ જીન નામની ફેકટરી ધરાવતા ઉદ્યોગપતિ સોમવારે સાંજે 7:30 કલાકે એકાઉન્ટન્ટની સાથે સ્વીફટ કારમાં વાંકાનેર તરફ જવા નીકળ્યા ત્યારે ફેકટરીથી એકદમ નજીક બે બાઈક સવારે કાર આંતરી ફેકટરીના માલિક પર છરી વડે હુમલો કરી રૂ.27,00,000ની રોકડ રકમ ભરેલા થેલા ઝૂંટવી બાઈક પર ચોટીલા તરફ નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત મોરબી એલસીબી સહિતના સ્ટાફે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

વધુ મળતી વિગત મુજબ હાઈવે પર કાર પહોંચે તે પહેલાં કાર પર કોઈએ વારાફરતી બે પથ્થર ફેંકતા યુસુફભાઈએ કાર થોભાવી હતી અને નીચે ઊતરે તે પહેલાં જ બાઈકમાં બે શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને હાથમાં રહેલા બેઈઝબોલના ધોકા વડે ડ્રાઈવર સાઈડનો કાચ તોડી નાખી યુસુફભાઈના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ સમયે એકાઉન્ટન્ટ પણ આગળની સિટમાં બેઠા હતા. તેની બાજુમાં ગિયર પાસે પડેલા રૂપિયા ભરેલા થેલા ઊઠાવીને બન્ને શખ્સ નાસી છૂટ્યા હતા. અચાનક જ થયેલા હુમલા બાદ યુસુફભાઈ અને એકાઉન્ટન્ટ અબ્દુલભાઈએ પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી.

પરંતુ બન્ને લૂંટારુઓએ ધોકા વડે હુમલો કરી દીધો હતો અને પલભરમાં જ અંદાજે રૂ.27 લાખ રોકડા લઈને ચોટીલા તરફ નાસી છૂટ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મૂળ વઘાસિયા ગામના નજરુદ્દીનભાઈ માથકિયા પણ આ ફેકટરીમાં પાર્ટનર છે અને મોટાભાગના કર્મચારીઓ પણ તેમના સગાસંબંધીઓ જ છે. આરોપીઓ જે દિશામાં ભાગ્યા છે ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી પરંતુ મોડીરાત સુધી આરોપીઓની ભાળ મળી ન હતી.યુસુફભાઈને પેટના ભાગે છરીનો ઘા કર્યો હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે લૂંટમાં કોઈ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.