Abtak Media Google News

અકસ્માતના પગલે હાઈ-વે પર ટ્રાફિકજામ : ટોલપ્લાઝાના સેફટી વાહનો શોભાના ગાંઠિયા સમાન: ભુજથી ફાયર ફાઈટરોએ આગ કાબુમાં લીધી

ઓવરટેક કરવા જતાં સામેથી આવતા ડમ્પરમાં ટ્રક ઘુસી જતા સર્જાયો અકસ્માત

અબતક-રાજકોટ

ભુજ અને ભચાઉ હાઈ-વે નજીક ધાણેટી ગામ પાસે પુલ પર ટ્રક કોઈ વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી આવતા ડમ્પરમાં ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરથી હતી કે થોડી જ ક્ષણોમાં ટ્રક અને ડમ્પર બંને થોડી જ ક્ષણોમાં આગની લપેટમાં ઝકડાઈ ગયા હતા. જેમાં બંને વાહનના દ્રાઈવર ભડથું થઈ ગયા હતા. અકસ્માતના પગલે હાઈ-વે પર કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભુજ -ભચાઉ હાઈ-વે પર ધાણેટી ગામ પાસે આવેલા પુલ પર ગઈ કાલે રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ પુર ઝડપે આવતા જીજે-૩૬-ટી-૪૧૬૧ નંબરના ડમ્પર ચાલક રામ દયારામ શિવાચંદ યાદવ ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા જીજે-૧૪-ડબ્લ્યુ-૧૬૯૨ ટ્રકમાં ધડાકાભેર અથડાયા હતા. અથડામણ એટલી ગંભીર હતી કે અકસ્માતના અમુક જ ક્ષણમાં બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.

બંને વાહનોમાં આગ લાગતા ડમ્પરનો ચાલક રામ દયારામ યાદવ અને ટ્રક દ્રાઈવર રાજેશભાઇ ઉમ્બા ચાવડા આગમાં ભડથું થઈ ગયા હતા. હાઈ-વે પર થયેલા ગોઝારા અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. જે અંગે ટ્રકના માલિક રાજેશભાઇ નારણભાઇ વરચંદએ પોલીસ મથકમાં ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

શુક્રવારે રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં ધાણેટી નજીક પુલિયા પાસે ટ્રક અને ડમ્પર સામસામી ભટકાઇ હતી. અકસ્માત એટલી હદે ધડાકાભેર હતો કે બંને વાહનો ભડભડ સળગી ઉઠયા હતા. જેમાં બંને વાહનોના ચાલક જીવતા હોમાયા હતા. ઘટના બાદ લાખોંદ ટોલ પ્લાઝાની પેટ્રોલિંગ ટીમ અને ફાયરના વાહનો તેમજ એમ્બ્યુલન્સ શોભાના ગાઠીયા સમાન હોય તેમ વાહનોમાં લાગેલી આગ બુઝાવવા માટે ભુજથી ફાયર સેફટીના બંબા બોલાવાયા હતા.

ઘટનાની જાણ થતાં ધાણેટીના સરપંચ વાઘજીભાઈ માતા અને ગામના યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,અને ટ્રાફિક હળવો કરવામાં મદદગાર બન્યા હતા. બીકેટી કંપનીના ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ કરાયા હતા. અકસ્માતના પગલે પીએસઆઈ બી.એસ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.