Abtak Media Google News

કારખાનામાં મજૂરી કામ કરી બંને ઘરે પરત જતી હતી ત્યારે પગ લપસતાં
પાણીમાં ડૂબી : એકને તરતા આવડતું હોવાથી બચી ગઈ 

રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીનાળા છલકાય ગયા છે. તેમાંય બેઠા પૂલ પર પાણીનો પ્રચંડ વેગથી પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે ગતકાલે રાજકોટમાં  કરૂણાંતિકા સર્જાય છે. રાજકોટની આજી નદી નજીક કારખાનામાં મજૂરી કામ કરી બે મહિલા ઘરે પરત ફરી રહી હતી ત્યારે આજી નદીના બેઠા પુલ પર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી મહિલાને તરતા આવડતું હોવાથી અને લોકોની મદદથી તેનો બચાવ થયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ કર્ણાટકના સુશીલાબેન શામજીભાઇ સોજીત્રા (ઉ.વ.35)અને રીનાબેન શૈલેષભાઇ સાકરીયા નામની બંને મહિલા શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ કારખાનામાં ગઈકાલે મજૂરી કામ કરી સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે આજી નદીના બેઠા પુલના પાણીના પ્રવાહમાં બંનેનો પાણીમાં પગ લપસતા મહિલાઓ તણાઈ હતી. જેમાં સુશીલાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે રીનાબેનનો બચાવ થયો હતો.

ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, એક મહિલાનો જ બચાવ થયો હતો.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો અને થોરાળા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને  મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો મૃતક સુશીલાબેનને સંતાનમાં બે પુત્ર છે અને તેના પતિ ભટ્ટીમાં મજૂરી કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.