- ટાઇફોઇડ સામેની લડાઈમાં 90% એન્ટિબાયોટિક્સની અસરકારકતા ઘટી!!!
ટાઇફોઇડ એ એક ગંભીર બીમારી છે જે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. આ બેક્ટેરિયા દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. ટાઇફોઇડ મુખ્યત્વે નબળી સ્વચ્છતા અને અસ્વચ્છ વાતાવરણવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. જો સમયસર તેની સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ત્યારે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇફોઇડના બેક્ટેરિયા હવે ઘણી બધી એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકાર (રેસિસ્ટન્સ) કેળવી રહ્યા છે, કેટલાક કિસ્સાઓમાં તો 90% સુધી. આનો અર્થ એ થાય કે ટાઇફોઇડની સારવાર માટે હાલમાં ઉપયોગમાં લેવાતી દવાઓ ભવિષ્યમાં ઓછી અસરકારક બની શકે છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલો આ અભ્યાસ દર્શાવે છે કે છેલ્લા દાયકામાં ગુજરાત અને ભારતમાં એન્ટિબાયોટિક-પ્રતિરોધક (એએમઆર) ટાઇફોઇડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ અભ્યાસમાં અમદાવાદ અને વડોદરામાંથી ટાઇફોઇડ પેદા કરતા બેક્ટેરિયા, સાલ્મોનેલા ટાઇફી (એસ. ટાઇફી)ના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને ટાઇફોઇડની સારવારમાં વપરાતી 28 એન્ટિબાયોટિક્સ સામે તપાસવામાં આવ્યા હતા. પરિણામો ચોંકાવનારા હતા, કારણ કે મોટાભાગની એન્ટિબાયોટિક્સ સામે 90% થી વધુ પ્રતિકાર જોવા મળ્યો. સંશોધકોએ પ્રતિકાર માટે જવાબદાર જનીનો પણ શોધી કાઢ્યા છે અને સારવાર માટેના નવા વિકલ્પો પર ભાર મૂક્યો છે. ટાઇફોઇડ એ દૂષિત ખોરાક, પાણી અથવા નબળી સ્વચ્છતાને કારણે થતો સામાન્ય રોગ છે, જેના લક્ષણોમાં તાવ, થાક અને પેટમાં દુખાવો શામેલ છે. અમદાવાદમાં, ચોમાસામાં દર મહિને 200 થી વધુ કેસ જોવા મળે છે.
આ અભ્યાસ, જેનું શીર્ષક ’ગુજરાત પ્રદેશ, ભારત: વ્યાપક દવા-પ્રતિરોધક સાલ્મોનેલા ટાઇફીનું વ્યાપક વિશ્લેષણ: જીનોમિક તારણો અને સંભવિત વૈકલ્પિક ઉપચાર’ છે, તે પ્રતિષ્ઠિત જર્નલ ’માઇક્રોબાયોલોજી સ્પેક્ટ્રમ’ માં પ્રકાશિત થયો છે. અભ્યાસના તારણો સૂચવે છે કે “ફ્લોરોક્વિનોલોન્સ (એસક્યુસ) અને ત્રીજી પેઢીના સેફાલોસ્પોરિન પ્રતિકાર વૈકલ્પિક ઉપચારાત્મક વ્યૂહરચનાઓની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.” અભ્યાસમાં સેફ્ટ્રિયાક્સોન, કોટ્રિમોક્સાઝોલ, એમિકાસિન, એમ્પીસિલિન જેવા મુખ્ય એન્ટિબાયોટિક્સ સામે ગંભીર પ્રતિકાર જોવા મળ્યો છે, જે હોસ્પિટલમાં અસરકારક સારવારને મર્યાદિત કરી શકે છે.
અમદાવાદના આરોગ્ય નિષ્ણાતો પણ આ વાત સાથે સહમત છે. જીસીએસ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસરએ આ અંગે જણાવ્યું કે એક દાયકા પહેલા ક્વિનોલોન જેવી દવાઓ અસરકારક હતી, તે હવે 50% થી વધુ કેસોમાં બિનઅસરકારક બની ગઈ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એન્ટિબાયોટિક્સનો યોગ્ય ઉપયોગ, યોગ્ય અવધિ અને યોગ્ય નિદાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કેડી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે આજે મેડિકલ સમુદાય એએમઆર ટાઇફોઇડ માટે નવા વિકલ્પો શોધવા માટે મજબૂર છે અને સારવારના પ્રોટોકોલ પણ બદલાયા છે. ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીએ પણ આ અંગે ચેતવણી આપી હતી કે લક્ષણોના આધારે તરત જ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી એએમઆર નો બોજ વધી શકે છે, અને ટાઇફોઇડની પુષ્ટિ માટે બ્લડ કલ્ચર જેવી તપાસ કરવી જરૂરી છે.