Abtak Media Google News

વર્તમાન સમયમાં વિશ્વભરમાં કોવીડ-૧૯ વાયરસના કારણે મહામારી ફેલાઈ છે, ત્યારે લોકોના આરોગ્યની જાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ, દવા છંટકાવ તેમજ અન્ય વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્થિતિને નજર સમક્ષ રાખતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા શહેરના જાહેર હિતમાં વિવિધ રીતે તંત્રને ઉપયોગી થવાય તેવા ઉમદા પગલા લેવામાં આવેલ છે. જેમાં આજે ઉદયભાઈ કાનગડ દ્વારા  પોલીસ સ્ટાફ, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ અને મીડિયાને પોતાના ખર્ચે કુલ ૨૫૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે.

ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરીજનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સતત ફીલ્ડમાં રહી પોલીસ સ્ટાફ, મનપાના કર્મચારીઓ અને સતત લોકો સુધી સમાચારો પહોંચાડતા મીડિયાના પ્રતિનિધિઓનું આરોગ્ય સારું રહે તેની ચિંતા આપણે કરવી જોઈએ.

આ અંગે વધુ વિગત આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવેલ છે કે, હાલની વૈશ્વિક મહામારીના કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં લોકોના આરોગ્યની જાળવણી માટે સતત કાર્યશીલ રહેતા પોલીસ સ્ટાફને કુલ ૮૦૦૦ એન-૯૫ માસ્ક અને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફને કુલ ૧૫૦૦૦ માસ્ક તેમજ મીડિયાના પ્રતિનિધિઓને કુલ ૨૦૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. જેઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા પોતાના ખર્ચે આજરોજ પોલીસ અને રાજકોટ મનપાના સ્ટાફ અને મીડિયાને ૨૫૦૦૦ નંગ માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.