ઉદ્ધવના પગ નીચેથી જમીન સરકી ગઈ !!!

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના પગ નીચેથી જમીન સરકતી દેખાઈ રહી છે. પહેલા રાજ્યસભા અને હવે એમએલસી ચૂંટણીમાં મળેલા આંચકા બાદ મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. ખાસ કરીને શિવસેનાને અહીં મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. શિવસેનાના 30 જેટલા ધારાસભ્યો પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના સંપર્કમાં નથી. આ ધારાસભ્યો ગુજરાતના સુરતની એક હોટલમાં છે. આવી સ્થિતિમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ખેલ રાજ્યસભાની ચૂંટણીથી શરૂ થયો હતો. અહીં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં 113 ધારાસભ્યોના સમર્થન સાથે ભાજપને 123 વોટ મળ્યા હતા. આ પછી એમએલસી ચૂંટણીમાં તેની તાકાત વધતી જોવા મળી હતી. સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં, ભાજપને 134 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું અને ભાજપ અહીં વિધાન પરિષદ માટે તેના તમામ પાંચ ઉમેદવારોને જીતવામાં સફળ રહી હતી. તેનાથી વિપરીત, શિવસેનાને તેના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભામાં સીટોની સંખ્યા 288 છે. અહીં સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. 2019ની ચૂંટણીમાં 105 બેઠકો જીતવા છતાં ભાજપ બહુમતીથી દૂર રહી. આ પછી અહીં 57 સીટવાળી શિવસેના, 53 સીટવાળી એનસીપી અને 44 સીટવાળી કોંગ્રેસે ગઠબંધન સરકાર બનાવી છે. ત્રણેય પક્ષોની પોતાની 154 બેઠક હતી. આ સિવાય અન્ય પક્ષો અને અપક્ષ ધારાસભ્યોની સાથે સરકારને કુલ 169 ધારાસભ્યોનું સમર્થન હતું.

વિધાન પરિષદની ચૂંટણી બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રમાં ભાજપને હવે 134 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે બહુમતી મેળવવા માટે હવે તેને વધુ 11 ધારાસભ્યોની જરૂર છે. બીજી તરફ શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે સહિત શિવસેનાના 30 જેટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં નથી. આ સિવાય સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં જઈ શકે છે. જો આમ થશે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર માટે નવું સંકટ ઊભું થઈ શકે છે.

288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી માટે 145 ધારાસભ્યોની જરૂર છે. કેટલીક બેઠકો ખાલી છે અને કેટલાક ધારાસભ્યો જેલમાં છે, તેથી અસરકારક સંખ્યા 285 છે. આવી સ્થિતિમાં બહુમત માટે 143 સભ્યોનું સમર્થન જરૂરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારને 153 ધારાસભ્યોનું સમર્થન છે. જો શિવસેનામાં વિભાજન થાય છે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ તોડીને ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ પહેલાથી જ સૌથી મોટી પાર્ટી છે. ભાજપ પાસે 106 ધારાસભ્યો છે જ્યારે એનડીએ પાસે 113 ધારાસભ્યો છે.