Abtak Media Google News

મહાશિવરાત્રીનો પવન પર્વ નજીક આવી રહ્યો છે. હવે શિવ ભક્તોના મનપસંદ અવસરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મહાશિવરાત્રી પ્રસંગે જામનગરના મુખ્યમાર્ગો પર પરંપરાગત શિવ શોભાયાત્રા પસાર થવાની છે, ત્યારે શોભાયાત્રાના સંચાલક મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે એક તદ્‌ન અવનવું આકર્ષણ ઉમેરવાનો નિર્ણય કરાયો છે. ઉજ્જૈનના મહાકાલ મંદિર માં સમૂહ ડમરૂંવાદન કરતા વૃંદ દ્વારા જામનગરની શોભાયાત્રામાં ડમરુ વાદન કરાશે.

ઉજજૈનની ‘લકકી ગુરૂ’નું ડમરૂંવાદનનું વૃંદ ચોમેર પ્રશંસા પામ્યું છે. ભારતભરમાં સમયાંતરે આ ગ્રુપ દ્વારા ધાર્મિક ઉત્સવો વખતે સમૂહવાદન અને નૃત્યના જે કાર્યક્રમો અપાયા છે, તેના વિડિયો યુ-ટયુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે આ વર્ષે આ લહાવો સમસ્ત જામનગરવાસીઓ પણ લઈ શકશે. મહાશિવરાત્રીની શોભાયાત્રા માટે ઉજજૈનની ‘લકકી ગુરૂ’નું ડમરૂંવાદન ટીમને ખાસ આમંત્રિત કરવામાં આવી છે. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ અને શિવભકત નગરસેવક સુભાષભાઇ જોશીની આગેવાનીમાં કાર્યકરો ઉજજૈન રૂબરૂ જઇને આ વૃંદને મળીને નિમંત્રિત કરવા ગયા હતા.

શું છે આ ટીમની ખાસિયત ??

આ ટીમ પ્રથમ વખત ‘છોટીકાશી” જામનગર આવી રહી છે. નવયુવાન કલાકારોની સોળ (૧૬) સભ્યોની ટીમ એકસરખી પિતાંબરી અને સફેદ ગંજીમાં સજજ થઇ બંને હાથમાં મસમોટાં ડમરૂંનું એ પ્રકારે સમૂહવાદન કરે છે કે, દર્શકો (શિવ ભક્તો) દંગ રહી જાય છે.

શું છે જામનગરમાં લકકી ગુરૂ’નું ટીમનો કાર્યક્રમ ??

લકકી ગુરૂંનું આ ગ્રુપ શિવરાત્રીની પૂર્વ રાત્રીએ જ જામનગર આવી પહોંચશે. શોભાયાત્રાના પ્રારંભથી જ સિધ્ધનાથ મહાદેવ મંદિરથી જ શોભાયાત્રામાં તેઓ જોડાશે. શહેરના પ્રત્યેક મુખ્ય ચાર રસ્તા – ચોકમાં ડમરૂંવાદનનું નિદર્શન કરતા રહેશે, અને સમાપન સુધી ભકતજનોને ડમરૂંવાદન અને સમૂહનૃત્ય દ્વારા આકર્ષણ જગાવતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.