ઉનામાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ યોજાયો

નુક્કડ નાટક અને વીડિયો ફિલ્મના માધ્યમથી સરકારના વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ વિશે માહીતી અપાઈ અને લાભાર્થીઓને વિનામૂલ્યે વીજ જોડાણનાં પ્રમાણપત્ર એનાયત કરાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથનાં ઉનામાં ખોડલધામ, લેઉવા પટેલ સમાજની વાડી, ઉન્નતનગર ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને સરકારની વિદ્યુતક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોની વિદ્યુતક્ષેત્રમાં થયેલ પ્રગતિને દર્શાવતી ટૂંકી ફિલ્મો દર્શાવવામાં આવી હતી અને નુક્કડ નાટકના રગલા-રંગલી પાત્ર દ્વારા લોકોને સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જાની વિવિધ જાણકારી અને વીજળી બચાવવા માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત લાભાર્થીઓને વિનામૂલ્યે ઘરગથ્થુ વીજજોડાણના પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. સરકારના પ્રયાસોના લીધે લાભાર્થીઓએ વીજળીને લગતી વિવિધ યોજનાનો લાભ મળ્યો છે.

તે અંગેના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં ઉના તાલુકા પંચાયત પ્રમુખ પાંચીબહેન સામતભાઈ ચારણિયા, ઉના નગરપાલિકા પ્રમુખ જલ્પાબહેન જેન્તીભાઈ બાંભણિયા, પ્રાંત અધિકારી જે.એમ.રાવલ સહિત પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ ગામના સરપંચો અને ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.