કાર્ટેલના પાપે સ્ટીલના ભાવમાં અસહ્ય કૃત્રિમ વધારો

 

તોતીંગ ભાવ વધારાના કારણે હોટ રોલેડ કોઈલની ટન દીઠ કિંમત રૂા.67,000 અને કોલ્ડ રોલેડ કોઈલની રૂા.80,000 પહોંચી: ચાલુ મહિને મધ્ય ભાગમાં અથવા જૂનમાં પણ ટન દીઠ રૂા.2,000 થી 4,000ના ભાવ વધારાની શકયતા 

સ્થાનિક બજારમાં હોટ રોલેડ કોઈલ અને કોલ્ડ રોલેડ કોઈલના ભાવમાં એકાએક અનુક્રમે રૂા.4000 અને રૂા.4500નો ટન દીઠ વધારો આવ્યો છે. સ્ટીલમાં કાર્ટલના પાપના પરિણામે આ ભાવ વધારો આવ્યો હોવાનું ફલીત થાય છે. સામાન્ય રીતે દર એપ્રીલ મહિનાની આસપાસ સ્ટીલના ભાવ આસમાને આંબી જાય છે. માંગ સામે પુરવઠો રોકીને કેટલાક તત્ત્વો સમગ્ર કાળા બજારનું કારસ્તાન ચલાવે છે. જેના પરિણામે ભાવ ખુબ ઉંચકાય છે.

વર્તમાન સમયે હોટ રોલેડ કોઈલના ભાવ રૂા.67,000 જ્યારે કોલ્ડ રોલેડ કોઈલના ભાવ રૂા.80,000 પહોંચી ગયા છે. આ બન્ને કોઈલ સામાન્ય રીતે ઓટો અને એપ્લાઈન્સ સેકટરમાં વધુ કામ આવે છે. આ ઉપરાંત ક્ધટ્રકશન સેકટરમાં વપરાતા રી-રોલીંગમાં પણ એકંદરે આ ભાવ વધારો અસર કરે છે. સંગ્રહખોરીના કારણે આ ભાવ આસમાને પહોંચતા એપ્લાયન્સ અને ઓટો સેકટરમાં તો ભાવ તોળાશે તેવી ધારણા છે જ તેની સાથે સાથે રિ-રોલીંગમાં ભાવ વધારાની શકયતાને કારણે ક્ધટ્રકશન પણ મોંઘુ થશે.

સુત્રોના જણાવ્યા મુજબ આ બન્ને પ્રકારની સ્ટીલ કોઈલમાં ચાલુ મહિનાના મધ્યભાગ અથવા જૂન મહિનામાં હજુ ટન દીઠ 2000 થી 4000 સુધીનો ભાવ વધારો થઈ શકે છે. ભાવ વધારાના કારણે ક્ધટ્રકશન માટેનો કાચો માલ પણ મોંઘો થશે. આંકડા મુજબ સ્ટીલના ભાવ 2020ના જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં બે ગણા સુધી થઈ ગયા છે. આ ભાવ વધારાના કારણે બાંધકામની કોસ્ટ 3.5 ટકા વધી હોવાનું પણ જાણવા મળે છે. આ ઉપરાંત શ્રમિક અને વિતરણ વ્યવસ્થા ઉપર પણ અસર થઈ હોવાથી બાંધકામ સેકટર માટે મુશ્કેલી સર્જાઈ હતી. પરિણામે ડેવલોપર્સ પાસે ભાવ વધારા સીવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

સ્ટીલમાં આવેલો ભાવ વધારો એકંદરે એફોર્ડેબલ હાઉસીંગ સેગ્મેન્ટ ઉપર પણ અસર પાડશે. જે ડેવલોપર્સ એફોર્ડેબલ હાઉસીંગમાં કામ કરવા ઈચ્છતા હશે તેમનું માર્જીન પણ ઘટી જશે. આ મામલે કોફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ) દ્વારા સરકારને રજૂઆત કરીને જરૂરી પગલા લેવા માંગ કરવામાં આવી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, અન્ય વસ્તુઓની જેમ સ્ટીલમાં પણ કાળા બજારીઓ સંગ્રહખોરો, તકસાધુઓ દર વર્ષે એપ્રીલ અને મે મહિનામાં કૃત્રિમ તંગી ઉભી કરીને સ્ટીલના ભાવમાં વધારો કરવા જવાબદાર બને છે. વર્તમાન સમયે હોટ રોલેડ કોઈલ અને કોલ્ડ રોલેડ કોઈલમાં અનુક્રમે રૂા.4 હજાર અને રૂા.4500ના વધારાના કારણે આગામી સમયમાં ઓટો, એપ્લાઈન્સમાં ભાવ વધારો થવાની શકયતા તો છે જ તેની સાથે સાથે ક્ધટ્રકશનમાં પણ કેટલોક વધારો થઈ શકે છે. એકંદરે ડેવલોપર્સ ઉપર કાચા માલમાં આવેલા વધારાનું ભારણ થશે.

ક્ધટ્રકશન માટે જે સ્ટીલ વપરાય છે તે મોટાભાગે રિ-રોલીંગ હોય છે જે સામાન્ય રીતે સ્ક્રેપ સહિતની વસ્તુઓમાંથી બને છે. હવે આ સ્ટીલના ભાવમાં વધારો થશે તો એકંદરે રિ-રોલીંગ સ્ટીલ પણ મોંઘુ થઈ જશે.