રાજકોટમાં બંગાળી વેપારીને ઉંઘતો રાખી મામો-ભાણેજ પેઢીમાંથી ૪૦ લાખના સોનાના દાગીના લઇ પલાયન

anandia-employee-in-gandhidham-38-lakh-cash-stolen
anandia-employee-in-gandhidham-38-lakh-cash-stolen

સોનીબજારમાં સવા મહિના પહેલા બનેલી ઘટના: બંગાળી કારીગરે વેપારીનો વિશ્ર્વાસ કેળવ્યા બાદ મોકો મળતા ભાણેજ સાથે કળા કરી ગયો: ૮૦૦ ગ્રામ સોનાના દાગીના ચોરીની નોંધાતો ગુનો

 

અબતક, રાજકોટ

રાજકોટની સોનીબજારમાંથી છાશવારે બંગાળી કારીગરો લાખો રૂપિયાના સોનાના દાગીના કે સોનાનો ઢાળીયો ચોરીને નાશી જતા હોવાની અનેક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે ત્યારે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. જેમાં બંગાળી વેપારીને ત્યાં સોનાના દાગીના બનાવવાની મજુરી કામ કરતા બંગાળી મામો-ભાણેજ રૂ. ૪૦ લાખના ૮૦૦ ગ્રામ સોનાના દાગીનાની તફડચી કરી પલાયન થઇ ગયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ ઘટના અંગેના જાણવા મળતી વિગત મુજબ રાજકોટના રૈયાનાકા ટાવર પાસે કિશનનંદ એપાર્ટમેન્ટમાં રહેતા મુળ પશ્ર્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના જયક્રિષ્નાપુર ગામના વતની ફિરોજ અલીહુશેન મલીક (ઉ.વ.૨૮) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પોતાની દુકાનમાં કામ કરતા મુળ પશ્ર્ચિમ બંગાળના હગલી જીલ્લાના સલાલપુર ગામના સુમન હરાધન દાસ અને પશ્ર્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના સરળો મંગોલા ગામના જીત માનોપ દાસનું નામ આપ્યું છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી ફીરોજ મલીક છેલ્લા ૧ર વર્ષથી રાજકોટમાં રહે છે. અને સોનીબજાર અનિલ કોમ્પલેકસમાં દુકાન નં. ૧૦૧, ૧૦ર માં બેસી સોનાના દાગીના બનાવવાની મજુરી કામ કરે છે.

ફરીયાદીની પેઢીમાં આરોપી સુમન છેલ્લા સાત વર્ષથી કામ કરતો હતો જયારે તેનો ભાણેજ જીત છેલ્લા એક વર્ષથી કામ કરતો હતો. સાત વર્ષથી પેઢીમાં કામ કરતા સુમને બંગાળી વેપારીનો તમામ વહીવટ કરતો હતો.૨૩ જુલાઇના બંગાળી વેપારીને મુકયા જવેલરીવાળા શ્રીનિવાસભાઇએ ટ્રાન્સપોર્ટ મારફતે ૮૦૦ ગ્રામ સોનુ દાગીના બનાવવા માટે મોકલ્યું હતું. જેના દાગીના બનાવવા અન્ય પેઢીને આપ્યા હતા. જયાંથી ર૬ જુલાઇમાં દાગીના તૈયાર થઇ જતા સુમન ૮૦૦ ગ્રામ સોનાના દાગીના લઇ આવ્યો હતો જે બંગાળી વેપારીએ પોતાની તીજોરીમાં મુકી રાત્રે ૧૦ વાગ્યે દુકાન બંધ કરી ઘરે જઇ સુઇ ગયો હતો.સવારે આઠ વાગ્યે બંગાળી વેપારી જાગ્યો ત્યારે પોતાની દુકાનની ચાવી જયાં રાખી હતી ત્યાં નહોતી બાદમાં દુકાને જઇ તપાસ કરતા તીજોરી ખુલ્લી હતી અને આગલા દિવસે તીજોરીમાં રાખેલ રૂ. ૪૦ લાખના સોનાના દાગીના ગાયબ થઇ ગયા હતા.

આ વખતે પોતાની પેઢી સંભાવતા સુમન અને તેના ભાણેજ જીતને ફોન કરતા બન્નેના ફોન બંધ હતા અને રાજકોટમાંથી ગાયબ થઇ ગયા હોય પેઢીના સી.સી. ટીવી કુટેજ ચેક કરતા વહેલી સવારે ૬.૩૦ વાગ્યે મામો-ભાણેજ પેઢીએ આવી તિજોરીમાંથી દાગીના કાઢી નાસી ગયા હતા.

આ બનાવ અંગે વેપારીએ મામા- ભાણેજની જાતે ખોધખોળ કર્યા બાદ આજદિન સુધી પત્તો નહી લાગતા અંતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.