Abtak Media Google News
  • સૌથી વધુ માંડવીમાં 17 ઈંચ, મુંદ્રામાં 9 ઈંચ, દ્વારકામાં 7.5 ઈંચ, અબડાસામાં 6 ઈંચ વરસાદ, માંડવી ગામ સંપર્ક વિહોણું બન્યું: આજે પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસ મેઘરાજા અવિરત વરસ્યા બાદ હવે કચ્છમાં દે ધનાધન બોલાવી રહ્યો છે.કચ્છના માંડવીમાં છેલ્લા 26 કલાકમાં 17 ઈંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થતિ સર્જાઈ છે.ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું ડીપ ડીપ્રેશન હવે કચ્છ ઉપર સ્થિર છે અને 10થી 12 કલાક બાદ તે અરબી સમુદ્ર તરફ વળી જશે. આ સિસ્ટમ આજે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને ’આશના’ નામ આપવામાં આવ્યું છે. આજે 30 ઓગસ્ટે કચ્છમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશનની અસરના કારણે કચ્છના માંડવીમાં સવાર સુધીમાં વાગ્યા સુધી અંદાજે 17 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળે છે. જો કે સૌરાષ્ટ્રભરમાં આજથી ઉઘાડ જોવા મળી રહ્યો છે. ગુજરાત દુર્લભ હવામાનનો સામનો કરવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની માનીએ તો 80 વર્ષમાં ચોથી વખત આવું થવા જઈ રહ્યું છે. આ અરબી સમુદ્રમાં થશે પરંતુ તેની અસર સમગ્ર ગુજરાત પર પડશે. જેના કારણે હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં ગુજરાતમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ છે. ડીપ ડિપ્રેશનના કારણે આવું બન્યું છે. હવે આ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. જમીન ઉપર હવામાન પ્રણાલી બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવે આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે. એટલે કે આ સિસ્ટમ સમુદ્રની ગરમી લઈને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. કચ્છના માંડવીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આંકડા પર નજર કરીએ તો 17 ઈંચ જેટલા વરસાદમાં માંડણી સંપર્ક વિહોણું થઈ ગયું છે. શહેરના રસ્તાઓ પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે.

  • 48 વર્ષ પછી જમીન પર સર્જાયેલી સિસ્ટમથી આસના સાયક્લોન સર્જાશે

ચોમાસુ 2024ની ગતિ ઉત્તરાર્ધ તરફ વધી રહી છે એવા સમયે જ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં લગભગ 48 વર્ષ બાદ પહેલી વખત હવામાનના એક અનોખા અને શક્તિશાળી રૂપને અનુભવ ગુજરાતવાસીઓને થયો છે. 25 ઓગસ્ટના રોજ પડોશી રાજ્ય મધ્યપ્રદેશના ભોપાલ પર સર્જાયેલા લો પ્રેશરે બે દિવસમાં જ ડિપ્રેશન અને પછી ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરી વડોદરાના પૂર્વ ભાગથી ગુજરાતમાં પ્રવેશી ચાર જ દિવસમાં સિઝનના 40 ટકા કરતાં વધુ વરસાદનું નિમિત્ત બન્યું છે. એની સાથે એક નવો ઇતિહાસ રચવા પણ જઇ રહ્યું છે. 36 કલાકથી કચ્છના ઉત્તર-પશ્ચિમ ભાગ પર સ્થિર રહેલું આ ડીપ ડિપ્રેશન શુક્રવારે અરબી સમુદ્રમાં પ્રવેશશે ત્યારે એ સાયક્લોનનું રૂપ લેશે એ એક નવો વિક્રમ બનશે. હવામાન ખાતાએ ગુરુવારે સાંજે વિધિવત રીતે આગાહી કરી છે કે, આ સિસ્ટમ 30 ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પ્રવેશીને સાયક્લોનનું સ્વરૂપ લેશે. આ સાયક્લોનને ‘આસના’ નામ આપવામાં આવ્યું છે.સામાન્ય રીતે જમીન પર સર્જાતી સિસ્ટમ લો પ્રેશર, ડિપ્રેશન અને વધુમાં વધુ ડીપ ડિપ્રેશન પછી અમુક

દિવસો પછી વિખેરાઇ જતી હોય છે, પરંતુ આ સિસ્ટમનો વિશાળ વ્યાપ હોવાના લીધે એને જમીન પરથી ગરમ હવા અને અરબી સમુદ્રમાંથી પૂરતી માત્રામાં ભેજ મળતો રહેતાં આ સિસ્ટમે ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં અનરાધાર અને તોફાની વરસાદથી તબાહી મચાવી દીધી છે. હવે આ સિસ્ટમ કચ્છ અને કચ્છના અખાતના વિસ્તારમાં આવતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આપશે એમ હવામાન ખાતાનું કહેવું છે.

  • વરસાદ પોરો ખાઈ આગામી સપ્તાહમાં વધુ એક સટાસટી કરવા આવી રહ્યાના “એંધાણ”

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટે એક સિસ્ટમ બની છે, તેનો માર્ગ ઓરિસા, બિહાર અને ઉત્તરપૂર્વ તરફ રહેશે. જો કે, આ સિસ્ટમની કોઇ મોટી અસર ગુજરાત પર થવાની શક્યતા નથી. જ્યારે બીજી સિસ્ટમ 30-31 આસપાસ બનશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જેની અસરને કારણે સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ત્યારબાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 તથા 5 સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે.ભારે વરસાદની આગાહી કરતાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડશે. આવામાં હવે વરાપ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે. આખા સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બનવાની છે. 15 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે. ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થઇ શકે છે, પરંતુ હકીકતમાં આ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઇ શકે તેવી શક્યતાઓ છે. એટલે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે.

  • દ્વારકા-ખંભાળિયામાં ભર‘પૂર’: સિઝનનો 87 ઈંચ વરસાદ

ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વિકટ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. દ્વારકા હોય કે જામ કલ્યાણપુર તાલુકો કે ખંભાળિયા અહીંના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. દ્વારકામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. સરકારી આંકડા પ્રમાણે દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને ખંભાળિયામાં 31 ઈંચની કુલ સરેરાશ સામે 87 ઈંચ વરસાદ ચાલુ સીઝનમાં પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓમાં ભારે વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.

  • ભારે વરસાદ વચ્ચે વીજ તંત્રની સરાહનીય કામગીરી હજુ 738 ગામોમાં વીજ પુરવઠો બંધ, 1851 ફીડર બંધ, 1963 વીજ પોલ અને 88 ટીસી ડેમેજ

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદના પગલે વીજ તંત્રને મોટું નુકસાન થયું છે. હાલ 738 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. જેમાં સૌથી વધુ ભુજના 385 ગામો અને જામનગરના 211 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 218 જ્યોતિગ્રામ ફીડર, 1514 ખેતીવાડી ફીડર, 32 અર્બન ફીડર, 23 એચટી ફીડર અને 64 ઔદ્યોગિક ફીડર મળી કુલ 1851 ફીડર બંધ છે. જ્યારે 1963 વીજ પોલ ધરાશાયી થયા છે. 88 ટીસી ડેમેજ થયા છે. આ પરિસ્થિતિ વચ્ચે વીજ પુરવઠો પૂર્વવત કરાવવા માટે વીજ તંત્રમાં સતત દોડધામ મચી છે. આ કુદરતી પ્રકોપ વચ્ચે પીજીવીસીએલ સરાહનીય કામગીરી કરી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.