રાજકોટના ઘંટેશ્ર્વર વિસ્તારમાં બે બાળકો સહિત ૧૬ને ઝેરી અસર

toxic effect | dieases
toxic effect | dieases

દુષિત પાણીના કારણે ઝેરી અસર થયાની આશંકા: આરોગ્ય વિભાગ દ્વારા તમામના ખોરાક અને પાણીના નમુના લેવાયા.

શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર વિસ્તારના વણકરવાસમાં એક સાથે પાંચ પરિવારની ૧૬ વ્યક્તિઓને ઝેરી અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દલિત પરિવારને ખોરાકી ઝેરી અસર નહી પણ દુષિત પાણી પીવાના કારણે ઝેરી અસર થયાની આશંકા સાથે આરોગ્ય વિભાગ દ્વારા પાંચેય પરિવારના ખોરાકના અને પાણીના નમુના લઇ તપાસ હાથધરી છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર નજીક વણકરવાસમાં માલુબેન દેસુભાઇ બાટી, કાનાભાઇ પાલાભાઇ બાટી, ભીમાભાઇ પૂંજાભાઇ બાટી અને અમરીબેન અમીરભાઇ બાટીના પરિવારે પોતાના ઘરે જમ્યા બાદ વહેલી સવારે ઉલ્ટી થવાની શરૂ થતાં ગભરાયા હતા.

થોડી જ વારમાં ઘંટેશ્ર્વરના પાંચેય પરિવારના બે બાળકો સહિત ૧૬ વ્યક્તિઓને ઝેરી અસર જેવું જણાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ સુત્રો દ્વારા પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.પોલીસે તમામના જ‚રી નિવેદન નોંધ્યા હતા જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પાંચેય પરિવારની પૂછપરછ કરતા પોત પોતાના ઘરે અલગ અલગ ભોજન લીધું હોવાથી દુષિત પાણીના કારણે ઝેરી અસર થઇ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. દુષિત પાણીમાંથી જ રસોઇ બનાવી હોવાનું અને પીવામાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાના કારણે અલગ અલગ ભોજન લીધું હોવા છતાં ઝેરી અસર થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન થઇ રહ્યું છે.

ઝેરી અસર થયેલાઓમાં કાનાભાઇ પાલાભાઇ બાટી, ભીખાભાઇ પાલાભાઇ બાટી, રેણુકાબેન કાનાભાઇ બાટી, જયોત્સનાબેન ભીખુભાઇ બાટી, પૂજાબેન જીતુભાઇ બાટી, રેખાબેન ભરતભાઇ બાટી, કાંતાબેન લક્ષ્મણભાઇ, કીરીટ લખમણભાઇ બાટી, દિપા જીતેન્દ્રભાઇ બાટી, ભીમાભાઇ પૂંજાભાઇ બાટી, ભાનુબેન ભીમાભાઇ બાટી, મહેશ ભીમાભાઇ બાટી, ગૌતમ ભીમાભાઇ બાટી, કાજલ હિતેશભાઇ બાટી, માલુબેન દેસુભાઇ બાટી અને અમરીબેન અમીરભાઇ બાટીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.