Abtak Media Google News

કાલે જામનગરમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના: દ્વારકાધીશ મંદિર, મોજપ બીએસએફ મથક, સિગ્નેચર બ્રિજની મૂલાકાત લેશે

કેન્દ્રીય ગૃહ અને  સહકાર મંત્રી અમિતભાઈ શાહ વધુ એક વખત માદરે વતન ગુજરાત પધારી રહ્યા છે તેઓ આગામી  શનિવારે દેવભૂમી દ્વારકા  જિલ્લાની  મૂલાકાતે આવી રહ્યા હોવાનું  જાણવા મળી રહ્યું છે. આવતીકાલે  શુક્રવારે  તેઓ રાત્રી રોકાણ જામનગર સરકીટ હાઉસ ખાતે   કરે તેવી શકયતા જણાય રહી છે. ગૃહમંત્રીના આગમનને લઈ જામનગર અને દ્વારકા જિલ્લામાં સુરક્ષા  વ્યવસ્થા  મજબૂત કરી  દેવામાં આવી છે. ડ્રોન  ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આગામી  20મી મે અર્થાંત શનિવારના  રોજ કેન્દ્રીય ગૃહ અને  સહકાર  વિભાગના  મંત્રી અમિતભાઈ  શાહ દ્વારકા જિલ્લાની મૂલાકાતે આવશે તેઓ દ્વારકા  નજીક આવેલા મોજપ ગામ સ્થિત બીએસએફ મથકની મૂલાકાત લેશે લશ્કરના  અધિકારીઓ સાથે બેઠક કરી સરહદી સુરક્ષાનો  તાગ મેળવશે ગત વર્ષ પણ તેઓ મોજપ  સ્થિત બી.એસ.એફ. મથકની મૂલાકાતે આવ્યા હતા.

કેન્દ્રીય  ગૃહમંત્રી અમિતભાઈશાહ  દ્વારકા જિલ્લાની મૂલાકાત  દરમિયાન  બેટ દ્વારકા  કોરિડોર, સિગ્નેચર બ્રિજ અને દ્વારકાધીશ મંદિરની મૂલાકાત લેશહે આવતીકાલે તેઓ રાત્રી રોકાણ જામનગરના  સરકીટ હાઉસ ખાતે કરે તેવી સંભાવના જણાય રહી છે. આજથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ જામનગર શહેર ખાતે  પધારનાર છે.  જામનગર શહેરના તમામ વિસ્તારોમાં ’નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઈક્રો લાઈટ એર ક્રાફટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન તેમજ પેરા જમ્પિંગ ચલાવવા/ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ હુકમ આગામી તા. 19/05/2023 ના રાતના 08:00 કલાકથી તા. 20/05/2023 ના બપોરના 01:00 કલાક સુધી અમલમાં રહેશે.

ગુજરાતની મૂલાકાત  દરમિયાન  કેન્દ્રીય  ગૃહમંત્રી અમિત શાહ  પ્રદેશ  ભાજપના હોદેદારો સાથે બેઠક  યોજશે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ બેઠક યોજે તેવી શકયતા નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.