- જેતપુર તાલુકાના મેવાસા ગામે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા: કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયાએ દિવ્યાંગોને સાધન સહાય, આરોગ્ય કેમ્પ અને સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
- કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો, રમત ગમત વિભાગના મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને રામ બાપાની જગ્યાની વાડી, મેવાસા, જેતપુર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ, દિવ્યાંગ સાધન સહાય તથા મેડિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી માંડવીયાએ કહ્યું હતું કે, સેવા સેતુ એ પ્રધાનમંત્રીનો સેવાના માધ્યમથી લોકો સાથે જોડાવાનો ઉદાત્ત વિચાર છે. પ્રધાનમંત્રીએ જનતા વચ્ચે જઈ તેમના પ્રશ્ર્નોના સમાધાન સાથે સરકારી યોજનાઓના લાભ પહોંચતા કરવાની કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. ગામડાના લોકોને ઘર આંગણે જ સરકારી સુવિધાઓનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. વળી આજે આ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પના માધ્યમથી અનેક લોકોને સારવાર અને તેમની તકલીફોનું નિદાન પણ મળશે.
“પરોપકાર એ કાઠીયાવાડની સંસ્કૃતિ છે” જણાવી મંત્રી માંડવીયાએ ઉમેર્યું હતું કે, અન્યને સહયોગી થવાની ભાવના સાથે ભારત કોવિડનો જંગ પણ જીત્યું હતું, એવી જ રીતે આજે વૃદ્ધ માતાઓ, વિધવા બહેનો, વંચિતો અને છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ લઈ તંત્ર તેમના સુધી પહોંચ્યું છે. આજે ગુજરાતના દરેક ગામડે સારા રસ્તા, પાણી અને વીજળીની સુવિધાઓ પહોંચી છે. નર્મદાનું પાણી ગુજરાતના 115 ડેમમાં અને એક લાખ દસ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા એક હજાર ગામડાઓમાં પહોંચી રહ્યું છે. ગામડા સમૃદ્ધ બન્યા છે, અને સુખાકારી વધી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂત સક્ષમ બને તે માટે સરકાર દ્વારા મગફળી અને અન્ય જણસો ખરીદીને તેમને પોષણક્ષમ કિંમત આપવામાં આવી રહી છે. આજે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનિ સમયે પણ તરત જ સર્વે કરી ખેડૂતોને વીમાના પૈસા પહોંચાડવામાં આવે છે. સરકારની આયુષ્માન યોજનાને કારણે ગામડાના કોઈ પણ વ્યક્તિને કોઈના ઓશિયાળા થવાની જરૂર રહેતી નથી. પ્રધાનમંત્રી દ્વારા દિવ્યાંગોનું જીવન વધુ સુવિધા સભર બને તે માટે તેમને વિવિધ સાધન સહાયના લાભ આપવામાં આવી રહ્યા છે. આજે અહીંથી લાભ લેનાર દિવ્યાંગોના જીવનમાં આ સાધનો થકી નવી ઉર્જાનો સંચાર થશે તેવી અભ્યર્થના મંત્રીએ વ્યકત કરી હતી. આ સાથે મંત્રીએ ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની અપીલ સાથે સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પરમાર, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણકુમાર કિયાડા, સિંચાઈ સમિતિના ચેરમેન ભાવનાબેન બાંભરોલીયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, સરપંચ ભનુભાઈ સોલંકી, ઉપસરપંચ જયેશભાઈ સાવલિયા, રાજકોટ ડેરીના ગોરધનભાઈ ધામેલીયા, ગીરગંગા ટ્રસ્ટના જમનભાઈ ડેકોરા, આઈ.એસ.આઈ.સી.ના ડાયરેક્ટર હેમંતકુમાર પાંડે, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાંત અધિકારી રાહુલ ગમારા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તંત્ર દ્વારા લોકોના સહાયક બનવાનો અનેરો આનંદ: કલેક્ટર પ્રભવ જોશી
આ પ્રસંગે કલેક્ટર પ્રભવ જોશીએ હતું કે, મેવાસા વિસ્તારમાં રૂ.1.10 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે કેન્દ્ર સરકારની વયોશ્રી યોજનાનો ગુજરાતમાં પ્રથમ મેવાસા ખાતેથી પ્રારંભ થઈ રહ્યો છે. જેના 36 લાભાર્થીઓને રૂ.2,58,192ના સહાયક ઉપકરણો એનાયત કરવામાં આવ્યા છે. પાંચ દિવસ દરમિયાન આ વિસ્તારમાં ગ્રામસભા સફાઈ ઝુંબેશ રમતગમતની સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમ યોજાયા હતા. માત્ર થોડા કલાકોમાં જ સરકારની 50થી વધુ યોજનાઓનો 200થી વધુ લાભાર્થીઓને લાભ મળ્યો છે, પશુ કેમ્પ દ્વારા 600 થી વધુ પશુઓને ડી-વોર્મીગ અને અન્ય સારવાર આપવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા લોકોના સહાયક બનવાનો પણ અનેરો આનંદ છે.
રૂ.1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
મંત્રીના હસ્તે મેવાસા ખાતે નવનિર્મિત તળાવ તથા 55 લાખના ખર્ચે નિર્મિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં લુણાગરી, મોટા ગુંદાળા, સરધારપુર, મેવાસા, જાંબુડી, કેરાળી, મંડલીકપુર વગેરે ગામોમાં પેવર બ્લોક તથા મેવાસા ખાતે ભૂગર્ભ ગટર અને પ્રેમગઢ ખાતે સી.સી.રોડના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ તમામ ગામોમાં રોડ, શેડ, પાણીની પાઇપલાઇન, કમ્પાઉન્ડ વોલ જેવા વિવિધ કામોના અંદાજે રૂ. 54,12,500ના વિકાસ કામો અને મેવાસા ગામે રૂ.27,49,560.44 ના ખર્ચે બનનાર આંગણવાડી કેન્દ્ર નં.3ની નવી ઈમારતનું ખાતમૂહુર્ત પણ કરાયું હતું.
મહાનુભાવોએ સેવા સેતુ કાર્યક્રમના દરેક સ્ટોલની મુલાકાત લઇ સેવા અંગેની વ્યવસ્થાઓ ચકાસી હતી. ત્યાર બાદ રકતદાન કેમ્પમાં દાતાઓની અને મેડિકલ કેમ્પની મુલાકાત કરી નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. મેદાન ખાતે મંત્રી માંડલિયા તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી બાદમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવનાર રિચાર્જિંગ બોરની કામગીરીનો શુભારંભ કરાવાયો હતો. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેરાળી, લુણાગરા, પ્રેમગઢ, લુણાગરી, મેવાસા, રબારીકા, જાંબુડી, પાંચપીપળા, સરધારપુર, મોટા ગુંદાળા, મંડલીકપુર, પેઢલા અને જૂની સાંકળી ગામોના લોકોને રાજ્ય સરકારના 13 વિભાગની વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
502 લાભાર્થીઓને રૂ.61.23 લાખના સાધન અર્પણ કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મેવાસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ અંતર્ગત કુલ 502 લાભાર્થીઓને રૂ.61,23,449/-કિંમતના 878 દિવ્યાંગ સહાયક ઉપકરણો, સાથે જ એસ.એલ.માંડલીયા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ ખાતે વિવિધ નિષ્ણાત ડોક્ટરોની સેવા આપવામાં આવી હતી અને પશુ સારવાર કેમ્પ પણ યોજાયો હતો.