રાજકોટમાં ફરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જન આશીર્વાદ યાત્રા

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લઈ મનસુખ માંડવીયાની આગેવાનીમાં યાત્રા શરૂ

મેયર ડો.પ્રદીપ ડવ, ભાજપના મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી સહિતના નેતાઓ દ્વારા મંત્રીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયુ: મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું

રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે મંત્રી માંડવીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પહોંચી ગયા હતા. જ્યાં તેમને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા.

આ સમયે કાર્યકરોએ મુખ્ય માર્ગો પર મંત્રીનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. હાલ આ જનયાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. જે રેસકોર્ષ રિંગ રોડથી શરૂ થઈ કિસાન પરા ચોક, મહિલા કોલેજ, અસ્ટ્રોન ચોક, વિરાણી, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, લોઢાવડ, ભૂતખાના, ગુંદાવાડી વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજકોટમાં માંડવીયાના સ્વાગતમાં મેયર પ્રદીપ ડવ, અંજલીબેન રૂપાણી સહિતના ભાજપના અન્ય કાર્યકરો જોડાયા હતા. આજે ગોંડલ, વીરપુર, ખોડલધામ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ. બીજા દિવસે એટલે કે શુક્રવારે જૂનાગઢ પત્રકાર પરિષદ બાદ વિસાવદર, ધારી, ચલાલા, પાલીતાણા જશે.

શનિવારે પાલીતાણા વેક્સિન સેન્ટરની મુલાકાત બાદ સોનગઢ, બોટાદ અને વલ્લભીપુર થઇ ભાવનગર પહોચશે. જયારે અન્ય કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા ગુરુવારે ઉંઝા મંદિરે દર્શન કરી વિસનગર, મહેસાણા, મોરબી જશે. બીજા દિવસે ટંકારા, શાપર  વેરાવળ અને સરધારમાં સાંજે 6 વાગ્યે ગ્રામ પંચાયતના મેદાનમાં સભા સંબોધશે. ત્રીજા દિવસે સરધારમાં પત્રકાર પરિષદ બાદ આટકોટ, જસદણ, બાબરા, અમરેલી જશે.

જનયાત્રા સંપન્ન થયા બાદ પેડક રોડ પર અટલબિહારી ઓડીટોરીયમમાં સવારના 10:45 વાગ્યે કાર્યકર્તાઓ સાથે સંવાદ, લેઉઆ  કડવા પટેલ સમાજ અને તબીબો સાથે બેઠક કરી હતી.