સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય મંત્રી મુંજપરાના મકાનમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો

બહાર ગામથી આવ્યા બાદ જ ચોરી અંગેનો ગુનો નોંધાશે અને ચોરીના આંક બહાર આવશે

સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીના બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેન્દ્રીય મંત્રી અને તબીબી મહેન્દ્રભાઇ મુંજપરા પરિવાર સાથે બહાર હોવાથી ચોરીનો આંકડો બહાર આવ્યો નથી. આ બનાવને પગલે એસ.પી. હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી. દોશી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ સીસી ટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા પરિવાર સાથે બહાર ગામ હોવાથી બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા નકુચા તોડી તમામ સામાન વેર વિખેર કર્યાની પોલીસને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફો કેન્દ્રીય મંત્રી મુંજપરાના નિવાસ સ્થાને દોડી ગયો છે.ડો. મુંજપરા અને તેમના પરિવારના સભ્યો સુરેન્દ્રનગર આવ્યા બાદ કેટલા મત્તાનો તસ્કરોએ હાથ ફેરો કર્યો તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. તેમ જ આવ્યા બાદ જ ચોરી અંગેનો ગુનો નોંધાશે તેમ પોલીસ જણાવી રહી છે.