કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની મોરબી અને રાજકોટ જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા

મોરબીમાં વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી; પ્રબુદ્ધ નાગરિક સંમેલન, ટંકારામાં દયાનંદ સરસ્વતી જન્મ સ્થળની મુલાકાત લીધી: પડધરીમાં સભા: સરધારમાં રાત્રી રોકાણ કરશે

કેન્દ્ર સરકારના પશુપાલન, મત્સ્ય અને ડેરી મંત્રાલયના કેબીનેટ મંત્રી પુરૂષોતમ રૂપાલાએ ગઈકાલે ઉંઝા ખાતે ર્માં ઉમિયાના દર્શન કરી ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રાનો આરંભ ર્ક્યો છે. આજે કેન્દ્રીય કેબીનેટ મંત્રી મોરબી અને રાજકોટ જિલ્લામાં અલગ અલગ ગામોમાં યાત્રા યોજી જનતા જનાર્દનના આશિર્વાદ લેશે. મોરબીમાં પત્રકાર પરિષદને સંબોધશે અને જાહેર સભાઓ સંબોધશે. આજે રાત્રી રોકાણ સરધાર ખાતે કરશે.

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ ગઈકાલે જન આશિર્વાદ યાત્રાનો આરંભ કર્યા બાદ રાત્રી રોકાણ મોરબી ખાતે ર્ક્યું હતું. આજે સવારે તેઓએ મોરબીમાં જન આશિર્વાદ યાત્રા યોજી હતી. કોરોનાના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને પ્રબુધ્ધ નાગરિકો સાથેના સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા. પત્રકાર પરિષદ સંબોધી તેઓએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધી વિશે માહિતીઓ આપી હતી. ટંકારામાં યાત્રા દરમિયાન તેઓએ મહર્ષી દયાનંદ દરસ્વતીજીના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને અન્ન વિતરણ ર્ક્યું હતું.

મોરબી જિલ્લામાં જન આશિર્વાદ યાત્રા પૂર્ણ થયા બાદ આ યાત્રાનો રાજકોટ જિલ્લામાં પ્રવેશ થયો હતો. બપોરે 1:15 કલાકે પડધરીના દહીસરડા ખાતે યાત્રાનું આગમન થયું હતું. જ્યાં લોકોએ ઉમળકાભેર કેન્દ્રીય મંત્રીનું સ્વાગત ર્ક્યું હતું. પડધરી ખાતે મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં તેઓએ એક જાહેરસભા પણ સંબોધી હતી. બપોરે 3:30 કલાકે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટ શહેરમાં આગમન થશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી 150 ફૂટ રીંગ રોડ પર આ યાત્રા ફરશે.

જેમાં અલગ અલગ ત્રણ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. બપોરે 4:15 કલાકે યાત્રા કાળીપાટ ખાતે પહોંચશે. અહીં કેન્દ્રીય મંત્રી ગૌરી ગૌશાળાની મુલાકાત લેશે. કસ્તુરબા ધામ ખાતે કસ્તુરબા ધામ આશ્રમની પણ મંત્રી વિઝીટ કરશે. સાંજે 6 કલાકે કેન્દ્રીય મંત્રી રંગુન માતાને શીશ ઝુકાવશે. 6;25 કલાકે યાત્રા સરધાર પહોંચશે જ્યાં સન્માન કરાયા બાદ એક જાહેરસભા યોજાશે. પુરૂષોતમભાઈ રૂપાલા રાત્રી રોકાણ સરધાર સ્વામી નારાયણ મંદિર ખાતે કરશે. આવતીકાલે સવારે તેઓ 8:30 કલાકે એક પત્રકાર પરિષદને સંબોધશે. 9:15 કલાકે ડુંગરપુરમાં માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક કરશે. રાજકોટમાં વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેશે. જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે જાહેરસભા સંબોધશે.