મોંઘવારીનો અનોખો વિરોધ: ગેસના બાટલા અને વાહનોએ કરી આત્મહત્યા !!

બેફામ વધી રહેલી મોંઘવારી સામે શહેરમાં અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાંધણ ગેસના બાટલા તથા વાહન દ્વારા આત્મહત્યા કરાઈ હોવાના દ્રશ્ય ઉભા કરતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

શહેરમાં લીમડા લાઈન વિસ્તારમાં એક સામાજિક કાર્યકર અને તેના મિત્રો દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારાના સંદર્ભમાં અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાંધણગેસના બાટલા અને બાઇક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, તેવા દ્રશ્યો ઉભા કરી પોતે માનસિક સમતુલા ગુમાવી દીધી છે તેવા નાગરિકની મુદ્રામાં આવી જઈ હૈયાફાટ રૂદન કર્યું હતું, અને મોદી મામા પૈસા લઈ ગયા.. ના નારા સાથે નવતર વિરોધ દર્શાવ્યો હતો. જેને લઇને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

લીમડા લાઈન વિસ્તારમાં દુકાન ચલાવતા સામાજિક કાર્યકર નિમેષ સીમરીયાએ સવારે પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા અને રાંધણ ગેસ ના ભાવ વધારા સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાંધણગેસના ભાવ વધારાના મામલે રાંધણ ગેસના બાટલાએ આત્મહત્યા કરી છે, તેવું દર્શાવવા માટે ગેસના બાટલા પર ફૂલહાર ચડાવી તેની નનામી બનાવાઈ હતી. એટલું જ માત્ર નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામેનો વિરોધ દર્શાવવા માટે મોટરસાયકલ પણ કફન ઓઢાડી ફુલહાર પહેરાવી તેની પણ નનામી બનાવવામાં આવી હતી. અને બન્નેએ ગરીબ જનતા ન હવે સાથ આપી શકે તેમ નથી તેઓ દર્શાવી આત્મહત્યા કરી છે. તે પ્રકારનું દ્રશ્ય દૃશ્ય ઊભું કર્યું હતું.

જેની સાથે પોતે અસ્થિર મગજના નાગરિક કે જેણે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે બાટલા અને મોટરસાયકલે આત્મહત્યા કરી લીધી હોવાથી પોતે માનસિક સમતુલા ગુમાવી બેઠા છે. તેવું પાત્ર ભજવી ભરપૂર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના કારણે પૈસા ખલાસ થઈ ગયા છે અને પૈસા ક્યાં ગયા જે મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથોસાથ “મોદી મામા પૈસા લઈ ગયા અને વિકાસ ગાંડો થયો ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તે ઉપરાંત લાકડાના બળતણ સાથેનો ચૂલો મૂકીને તેમાં પાણી ગરમ કરવામાં આવ્યું હતું. અને ગરીબ પ્રજાને હવે ફરીથી લાકડાનું બળતણ વાપરવાનો વારો આવ્યો છે. તેમ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની સાથે અન્ય કેટલાક યુવાનો પણ જોડાયા હતા. આ નવતર પ્રકારના વિરોધને લઈને લીમડા લાઈન વિસ્તારમાં થોડા સમય માટે કુતૂહલ પ્રસર્યું હતું.