Abtak Media Google News

રાહુલ ગાંધી વિશે ફેક ન્યૂઝ ફેલાવનાર એન્કરને પકડવા છત્તીસગઢ પોલીસ પહોંચી, ગાઝિયાબાદ પોલીસે રોકી: નોઇડા પોલીસ પકડીને લઈ ગઈ

રાહુલ ગાંધી સામે ફેક ન્યૂઝ ચલાવવાના આરોપમાં  ન્યૂઝ એન્કર રોહિત રંજનની મંગળવારે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. છત્તીસગઢ પોલીસ વહેલી સવારના 5:30 વાગ્યે રોહિત રંજનના ઈંદિરાપુરમમાં આવેલા ઘરે પહોંચી ગઈ હતી. ઘરના દરવાજા પર પોલીસને જોઈ રોહિતે ટ્વીટ કરી ઉત્તરપ્રદેશ પોલીસની મદદ માગી. ગાઝિયાબાદ પોલીસે તેના ટ્વીટનો જવાબ આપી કહ્યું કે તેઓ મદદ માટે કાર્યવાહી કરી રહ્યા છે. સામે રાયપુર પોલીસે પણ એન્કરના ટ્વીટનો જવાબ આપી કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપે.

આ દરમિયાન ગાઝિયાબાદની ઈંદિરાપુરમની પોલીસ ટીમ રોહિતના ઘરે પહોંચી ગઈ હતી. આ તરફ રોહિતની ધરપકડને લઈને રાયપુર અને ઈંદિરાપુરમ પોલીસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, ત્યાં નોઈડા પોલીસની એન્ટ્રી થઈ હતી. નોઈડા પોલીસે કહ્યું કે તેઓ પાસે રોહિત સામે કેસ નોંધાયો છે અને તે રાયપુરની પોલીસ સામે રોહિતની ધરપકડ કરીને લઈ ગઈ.

મંગળવારે સવારે 5:40 વાગ્યે રાયપુર પોલીસ ન્યૂઝ એન્કર રોહિતની ધરપકડ કરવા માટે તેના ઘરે પહોંચી હતી. રોહિતનું ઘર ગાઝિયાબાદમાં ઈન્દિરાપુરમ વિસ્તારમાં નયો સ્કોટિસ સોસાયટીમાં છે. રોહિતે સવારે 6:16 વાગ્યે ટ્વીટ કરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એએસપી ગાઝિયાબાદ અને એડીજી ઝોન લખનઉ પાસેથી મદદ માગી. એનો જવાબ રાયપુર પોલીસે ટ્વીટ કરીને આપ્યો કે તેઓ પોલીસને સહકાર આપે અને પોતાનો પક્ષ કોર્ટમાં રાખે. આ દરમિયાન ગાઝિયાબાદ પોલીસે પણ ટ્વીટ કર્યું અને કહ્યું કે આ મામલો તેમના ધ્યાનમાં છે અને તેઓ જરૂરી કાર્યવાહી કરી રહી છે. લગભગ 6:30 વાગ્યે ઈંદિરાપુરમ પોલીસ રોહિતના ઘરે પહોંચી.ઉત્તરપ્રદેશ પોલીસને જાણ કર્યા વગર ધરપકડને લઈને રાયપુર અને ગાઝિયાબાદ પોલીસ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. ત્યારે લગભગ 7:15 વાગ્યે નોઈડા પોલીસની એન્ટ્રી થઈ અને રોહિતને ધરપકડ કરી લઈ ગઈ. જોકે કેસ ક્યારે નોંધાયો હતો એનો અધિકારીઓએ જવાબ આપ્યો નહોતો. ઈંદિરાપુરમના સીઓ અભય મિશ્રાએ રોહિતની ધરપકડની પુષ્ટિ કરી છે.એન્કર રોહિત રંજનના ટ્વીટનો જવાબ આપતી છત્તીસગઢની રાયપુર પોલીસે કહ્યું હતું કે જાણ કરવાનો કોઈ નિયમ નથી. આમ છતાં હવે તેને જાણ કરાઈ છે. પોલીસ ટીમે તમને કોર્ટનો ધરપકડ વોરંટ બતાવ્યો છે. વાસ્તવમાં સહકાર આપવાની જરૂર હતી અને કોર્ટમાં પોતાનો પક્ષ રાખવો જોઈએ.

એન્કર સામે છત્તીસગઢ-રાજસ્થાનમાં કેસ

કોંગ્રેસનો આરોપ છે કે થોડા દિવસ પહેલાં એન્કર રોહિત રંજને તેના સ્પેશિયલ ટીવી શો પર વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નિવેદનને તોડી-મરોડીને ખોટી રીતે બતાવ્યું હતું. એનાથી તેમની ઈમેજને નુકસાન થયું છે. આ કેસમાં છત્તીસગઢમાં એફઆઈઆર નોંધાઈ છે. રાજસ્થાનમાં પણ આ અંગે કેસ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.