Abtak Media Google News

વૈશાખમાં ચોમાસા જેવી જમાવટ

સિંહોર – કેશોદમાં દોઢ ઇંચ, મહુવા- રાજુલામાં પોણો ઇંચ, અમરેલી- અંજાર-જેતપુર-ભચાઉ-ખાંભા-જાફરાબાદમાં અડધો ઇંચ વરસાદ : ત્રણ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે, રવિવારથી વાતાવરણ ચોખ્ખું થશે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વૈશાખમાં ચોમાસા જેવી જમાવટ થઈ છે. જેને પગલે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જો કે હજુ પણ આગામી 3 દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી  વરસાદ વરસતો રહેશે. સાતમી મેથી વરસાદની અસર બંધ થશે. જો કે તે પહેલા ત્રણ દિવસ વરસાદ પડશે. બીજી તરફ છેલ્લી 24 કલાકમાં રાજ્યમાં સિંહોર – કેશોદમાં દોઢ ઇંચ, મહુવા- રાજુલામાં પોણો ઇંચ, અમરેલી- અંજાર-જેતપુર-ભચાઉ-ખાંભા-જાફરાબાદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે થરાદ, વઘાઈ, કુતિયાણા, દાંતા, ગાંધીધામ, ભાભર, જામજોધપુર, સમી, વીંછીયા, વથલી, ખંભાત, ઉના, સાવરકુંડલા અને લીલીયા સહીતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે.

જામજોધપુર પંથકમાં તોફાની વરસાદથી ચોમેર પાણી ફરી વળ્યા

સિદસર-બાલવા-ગીંગણી સહિતના ગામોમાં તોફાની વરસાદથી ખેડૂતો ચિંતાતુર

Screenshot 2 5

જામજોધપુર પંથકમાં ગઇકાલે બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો, અને ભારે ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસી ગયો હતો. એકાદ કલાકના સમયગાળા દરમિયાન જામજોધપુર તાલુકાના સીદસર, બાલવા, ગીંગણી સહિતના અનેક ગામોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડી ગયો હતા. આ વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

જામજોધપુર તાલુકાના માંડાસણ, બાલવા, સીદસર ગીંગણી વગેરે ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો અને એકાદ કલાકમાં એકાદ ઇંચ જેટલું પાણી પડી ગયું. બાલવા ગામમાં અનેક વાડી ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે નદી નાળામાં પુર આવ્યા હતા.

તોફાની વરસાદ પછી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. જોકે એકાદ કલાકના સમયગાળા પછી વરસાદ રોકાઈ જતાં ધીમે ધીમે પાણી ઓસર્યા હતા તેમજ વીજ પુરવઠો પણ રાબેતા મુજબ બન્યો હતો.

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસની આગાહી

તા.4ને ગુરૂવાર
અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ

તા.5ને શુક્રવાર
રાજકોટ, મોરબી, સુરેંદ્રનગર, કચ્છ, વડોદરા, પંચમહાલ, દાહોદ

તા.6ને શનિવાર
અમરેલી, રાજકોટ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ

હળવદના રાયસંગપર ગામે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક સ્થળોએ નુકસાની

15થી વધુ સ્થળોએ છાપરા ઉડયા, 8 જેટલા વીજપોલ નમી ગયા

હળવદ : હળવદ તાલુકાના નવા રાયસંગપુર ગામે આજે બપોર બાદ અચાનક જોરદાર પવન સાથે વરસાદ આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદ અને પવન એક સાથે આવવાના કારણે કેટલાક વૃક્ષોની સાથે 15થી વધુ વાડી વિસ્તાર તેમજ ગામના છાપરાઓ ઉડ્યા હતા. સાથે જ આઠ જેટલા વીજપોલ પણ પડી ગયા હતા. વરસાદ અને પવન એક સાથે હોય જેના કારણે ખેડૂતોનો ઉભો મોલ આડો પડી ગયો હતો તેમજ ઘણા ખેડૂતોએ તલને વાઢીને મીંડું કરી હોય જે પલળી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.