- ભાજપ 31, કોંગ્રેસ 29, અપક્ષ સમાજવાદી 7 સીપીએમ 4, અને એઆઇએમઆએમના 1 ઉમેદવાર વચ્ચે ખેલાશે જંગ
- 49 બુથોમાંથી 30 બુથો સંવેદનશીલ થતાં પોલીસની દોડધામ વધશે
ઉપલેટા નગરપાલિકાની આગામી 16મીએ સામાન્ય ચૂંટણી સાત વર્ષ બાદ યોજાઇ રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહીત 7 પક્ષો અને અપક્ષો વચ્ચે જંગ જામ્યો છે. તેમાં મુખ્ય ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી એક અપક્ષ વચ્ચે જંગ ખેલાશે અગાઉ ભારતીય જનતા પાર્ટીને પાંચ બેઠકો બીન હરીફ મળી જતા તેને સરકાર બનાવવામાં 14 સભ્યોની જરુર રહેશે જયારે કોંગ્રેસે 29 ઉમેદવારોમાંથી 19 સભ્યો ચુંટાવા ફરજીયાત બનશે આવા રાજકીય માહોલ વચ્ચે ત્રણ દિવસ બાદ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોક પ્રતિનિધિને ચૂંટશે.
આગામી 16મીને રવિવારે યોજાઇ રહેલી નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં પુરૂષ મતદારો 23018 અને મહિલા મતદારો 22198 મળી કુલ 45216 મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરી શકશે. આ સામાન્ય ચુંટણીમાં ભાજપે 31, કોંગ્રેસ 29, આપના 11 સમાજવાદી પાર્ટીના 7 સીપીએમના 4 અપક્ષો 4 અને એઆઇએમઆઇએમ ના એક મળી કુલ 87 ઉમેદવારો પોતાના ભાગ્ય અજમાવી રહ્યા છે. જેમાં શહેરની નગર પાલિકાની ચુંટણીમાં કુલ 49 બુથો માંથી 30 બુથો સંવેદશીલ જાહેર કરાયા છે. જયારે 11 સ્થળો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં 251 સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે આ ચુંટણીમાં એક હજારથી વધુ મતદારો ધરાવતા છ બુથો છે આ ચુંટણી ફરજમાં રોકાયેલા 83 જેટલા મતદારોએ બેલેટ પેપરથી મતદાનની માંગણી કરતા તમામને તા. 10મી તારીખે મતદાન પત્રક રવાના કરી દેવામાં આવ્યા છે.
જે મતદારોએ તા. 17મી સાંજ સુધીમાં મામલતદાર કચેરીએ પરત કરવાના રહેશે. અથવા મત ગણતરી શરુ થાય તે પહેલા પહોચાડવાના રહેશે.
આ ચુંટણી દરમ્યાન દિવ્યાંગ અને વૃઘ્ધ મતદારો માટે મતદાન સ્થળે વ્યવસ્થા રાખવામાં આવી છે. દિવ્યાંગ અને વૃઘ્ધા મતદારો સાથે કોઇપણ પુખ્તવયની વ્યકિત મદદ માટે અંદર જઇ શકશે કુલ આઠ વોર્ડમાં 87 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ નિશ્ર્ચિત થઇ ચૂકયો છે. વોર્ડ નં. 3 સિવાય તમામ વોર્ડમાં પોતાના ચાર ઉમેદવારને મત આપી શકશે. જયારે ત્રણ નંબરના વોર્ડમાં એક બેઠક બીન હરીફ થઇ હોવાથી ત્યાંના મતદારોને ત્રણ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જયારે સૌથી વધુ મતદાર ધરાવતો વોર્ડ નં.1 માં 6766 મતદાર નોંધાયા છે. જયારે સૌથી ઓછા મતદાર 4859 ધરાવતો વોર્ડ નં.4 છે. આ વોર્ડમાં એક મુસ્લીમ ઉમેદવાર હોવાથી તે કોંગ્રેસના કેટલા મત કાપે છે તેના પરથી ઉમેદવારોનું ભાવી રહેશે.
36 સભ્યોમાંથી પ બેઠકો ઉપર ભાજપ બીન હરીફ
ઉપલેટા નગર પાલિકામાં 36 સભ્યોનું બોર્ડ છે તેમાં ભાજપે અગાઉ પ બેઠકો બીન હરીફ મેળવી લીધી છે. તેથી ભાજપને સત્તામાં બેસવા 31 ઉમેદવારોમાંથી 14 ઉમેદવારો વિજેતા બનવા જોઇએ જયારે કોંગ્રેસને 29 ઉમેદવારોમાંથી 19 સભ્યો ચુંટાઇ આવે તો સત્તાનો સ્વાદ ચાખવા મળે તેમ છે.
વોર્ડ નં. 6 માં મતદારો મત નહિ આપી શકે: મતદાન માટે 1ર વર્ષનો વિયોગ રહેશે
વોર્ડ નં.6 માં મતદારોએ સાત વર્ષ પહેલા પોતાના પ્રતિનિધિ ચૂંટવા મતાધીકાર મળ્યો હતો આ વખતે કોંગ્રેસના ઉમેલવારોએ મલાઇ મેળવી પીછે હટ કરી લેતા હજી પાંચ વર્ષ બાદ મતદારોએ સ્થાનીક સ્વરાજયમાં ચુંટણીમાં મતાધિકાર મળશે.
ભાજપ અને કોંગ્રેસ પક્ષ માટે કયાં મુદા અવરોધરૂપ બનશે
આગામી 16મીએ નગરપાલિકાની ચુંટણીમાં 6 રાજકીય પક્ષો મેદાનમાં છે તેમાં ભાજપને હાલ ટાવરના રિનોવેશનમાં થયેલા બેફામ ભ્રષ્ટાચાર, ભૂગભ ગટરની અને નલ સે જલની કામગીરી નિયમો મુજબ થતી નથી. અને અત્યાર સુધી ગણ્યા ગાઠયા લોકોનું જ નગરપાલિકામાં ચાલ્યું છે. જયારે કોંગ્રેસ છેલ્લા સાત વર્ષમાં નગરપાલિકા દ્વારા પ્રજાને થતા અન્યાયમાં કોઇ અસરકારક રજુઆત કે આંદોલનો કર્યા નથી. હાલની ચુંટણીમાં નેતાઓ અને ઉમેદવારોએ ઘર ભરી ઘર પકડી બેસી ગયા છે જયારે અન્ય પક્ષો વરસદા આવે ને દેડકા બહાર આવે તેમ ચુંટણીમાં રણ મેદાનમાં આવ્યા છે.
કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ બેવડી ભૂમીકામાં: કયાંક ગઠબંધન તો કયાંક સામ સામે
નગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ (સીપીએમ) ની ભૂમિકા બેવળી રહી છે. બન્ને પક્ષો ભાજપને ભરી પીવા મેદાને પડયા છે. તેવું લોકોને ચુંટણી પ્રચારમાં કઇ રહ્યા છે. પણ વોર્ડ નં.પ માં કોંગ્રેસ અને સીપીએમ નું ગઠ્ઠબંધન છે. જયારે વોર્ડ નં.1 અને ર માં આ બન્ને પક્ષો સામ સામે લડી રહ્યા છે. ત્યારે પ્રબુઘ્ધ નાગરીકો વિચારમાં પડી ગયા છે આ પક્ષો શું કરવા માંગે છે.