Abtak Media Google News

ઉપલેટા વિસ્તારમાં રેતી અને લાઈમસ્ટોન ગેરકાયદેસર રીતે કાઢી બારોબાર વેચી નાખી કરોડો રૂપીયાનો ચૂનો સરકારને લગાડી ભૂ માફીયા બેફામ બનતા મામલતદાર મહાવદીયાએ થોડાક દિવસો પહેલા વડેખણ ગામે પકડેલી લાઈમ સ્ટોન ખનીજ ચોરીમાં રાજકોટ ખાણ ખનીજ ખાતાએ બે કરોડ નવ લાખ સાત હજાર ચારસોને પંચોતર રૂપીયાની નોટીસ ફટકારી સાત દિવસમાં રકમ ભરપાઈ કરવા જણાવ્યું છે.

મામલતદારે દબાણને વશ થયા વગર કામગીરી કરતા સરકારની તિજોરી છલવાઈ; ભૂમાફીયાઓમાં ફફડાટ

1

થોડાક દિવસો પહેલા મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયાને મળેલી ચોકકસ બાતમીને આધારે વડેખણ ગામની સર્વે નં. 241 વાળી જમીનમાં બે હિતાચી મશીન દ્વારા લાઈમ સ્ટોન ખનન કરતા ઝડપી લીધા બાદ તપાસના અંતે લાઈમ સ્ટોન ચોરીમાં ઉપલેટા તાલુકાના જાળ ગામના કિશોર હુંબલનું નામ ખૂલતા તેની ખાણ ખનીજ ખાતા રાજકોટ દ્વારા માપણી કરાતા કિશોર હુંબલે તેના માણસો મારફત બે હિતાચી મશીન દ્વારા સાત ખાડામાંથી 35,800 કરતા વધુ મેટ્રીકટન લાઈમ સ્ટોનની ચોરી થયા હોવાનું ખૂલ્યું હતુ.

જેમાં રોયલ્ટી ખનીજ ચોરી સહિતનો હિસાબ કરતા બે કરોડ નવ લાખ સાત હજાર ચારસોને પંચોતેર રૂપીયાનું સરકારને નુકશાન થતું હોય તેના સમાધાન પેટે ખનીજ ચોરી કરનાર તાલુકાના જાળ ગામના કિશોર હુંબલને રાજકોટ ખાણખનીજ ખાતાના ભૂસ્તર શાસ્ત્રી જે.એમ. વાઢેરે નોટિસ ફટકારી છે.જો સાત દિવસમા પૈસા જમા નહિ કરાવે તો આરોપી સામે કોર્ટમાં કેસ દાખલ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલો મોટો દંડ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત ફટકારી ઈતિહાસ નોંધાવ્યો છે.

Photogrid 1625079466013

પકડાયેલી ખનિજ ચોરીને દબાવવા મામલતદાર ઉપર રાજકીય પ્રેસરનો મારો શરૂ થયો હતો

જિલ્લાના ઈતિહાસમાં આવડી મોટી ચોરી ઉપલેટાના મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયા દ્વારા પકડી પાડેલ બાદ આ પ્રકરણને દબાવવા ભૂ માફીયાઓએ રાજકીય આશરો લેતા મામલતદાર ઉપર જિલ્લા ભાજપના આગેવાન સહિત અનેક રાજકીય પક્ષોનાં આગેવાનોનું દબાણ આવેલ પણ મામલતદાર કોઈપણના દબાણમાં આવ્યા વગર કામગીરી કરતા સરકારની તિજોરીમાં મસ મોટી આવક થવા પામી છે.

આ રીતે થતી હતી ચોરી

ખનીજ ચોરીમાં લાઈમ સ્ટોન ચોરી સોના જેવી ગણાય છે. ખનન થયેલું ખનીજ મોટી મોટી કંપનીઓને બારોબાર પાસ પરમીટ વગર વેચી દેવામાં આવે છે. લાઈમ સ્ટોન ખનીજને અન્ય જગ્યાએ લઈ જવા માટે રોયલ્ટી પાસ હોવા જરૂરી હોય છે. પણ આ કિસ્સામાં અલગ અલગ જગ્યાના પાસનો ઉપયોગ કરી મૂળ જગ્યાએ માલ પહોચતો હતો તેમાં પોરબંદર તરફનો રોયલ્ટી પાસનો વધુઉપયોગ થયાનું અનુમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.