રામવનમાં ચોમાસા પૂર્વે તમામ કામગીરી પૂર્ણ કરવા મ્યુનિ.કમિશનરની તાકીદ

નવાગામમાં સીસીરોડ અને રામવન ખાતે ચાલતા વિકાસકામોનું નિરીક્ષણ કરતા મ્યુનિ.કમિશનર અમિત અરોરા

શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તેવા આશય સાથે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, આજે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ અધિકારીઓ અને વિવિધ કામે નિમાયેલ એજન્સીઓ સાથે રાખીને રામ વન અને નવાગામ ખાતે ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં મ્યુનિ. કમિશનરએ તમામ ચાલી રહેલી કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા એજન્સીઓને સુચના આપી હતી.

રામવન ખાતે હાલ વિવિધ એજન્સીઓ દ્વારા સ્કલ્પચર, સિવિલ, ગાર્ડન, રોશની વિગેરે કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ એજન્સીઓને ઝડપી અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી. વધુમાં મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું કે, પીજીવીસીએલ  દ્વારા ઈલેક્ટ્રીક વાયર / પોલ તાત્કાલિક શિફ્ટ કરવામાં આવતા રામવનમાં ચાલી રહેલી અન્ય કામગીરી વધુ ઝડપી બની શકી છે.

મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, એ.આર.સિંઘ, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન  લાલજીભાઈ ચૌહાણ, સિટી એન્જી. પરેશ અઢીયા, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઈ.ઈ. પરેશ પટેલ,  મનોજ શ્રીવાસ્તવ,  પી.પી. વાઘેલા અને જુદી જુદી એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજીડેમ નજીક નિર્માણ પામી રહેલા રામવન (અર્બન ફોરેસ્ટ)ની 95 ટકા જેટલી કામગીરી પૂર્ણ જવા પામી છે. આવતા મહિને 15 જૂન આસપાસ તેનું લોકાર્પણ કરી દેવાની તડામાર તૈયારી ચાલી રહી છે. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ રામવનનું જાત નિરીક્ષણ કર્યું હતું. એજન્સીના અધિકારીઓ સાથે મિટીંગ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને શક્ય તેટલું વધુ ઝડપી કામ પૂરું કરવા તાકીદ કરી હતી.