Abtak Media Google News
  • પરિવારમાં પુત્ર બાદ માતાનું મોત સોની સમાજમાં અરેરાટી સાથે રોષ : પ્રૌઢની હાલત ગંભીર, ગંભીર ગુનાની પોલીસ કયારે ગંભીરતાથી તપાસ કયારે કરશે?
  • શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ખડકલો કરાયો પરંતુ તપાસમાં ઢીલી નીતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા સોની પ્રૌઢના મોબાઇલમાંથી વ્યાજખોરો દ્વારા અપાયેલી ધમકીની ઓડિયોક્લિપ મળી
  • હ્ત્યાની કોશિષ અને વ્યાજના ગુનામાં ઝડપાયેલા નામચીન શખ્સની શોધખોળ: તા.18મીએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર માર્યો’તો

વિધાનસભાની ચૂંટણી બંદોબ્સત સહિતની કામગીરી અને અંગત વહીવટના કારણે વ્યસ્ત બનેલી પોલીસની નિષ્ક્રીયતાના કારણે ચોર, ગઠીયા, લૂંટારા અને વ્યાંજકવાદીઓ બેફામ બન્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની મોટી ફોજ હોવા છતાં ગુનાખોરીનો આંક શેર બજારના સેન્સેકસની જેમ ધુસકેને ભુસકે વધી રહ્યો છે. મોબાઇલ નેટવર્ક અને સીસીટીવી સહિતની ટેકનોલોજી હોવા છતાં પારસ સોસાયટીની દિન દહાડે થયેલી લૂંટનો ભેદ ઉકેલી શકી નથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મિલાપનગરના સોની પરિવારે કરેલા સામુહિક આપઘાતના પ્રયાસમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા યુવાનને વ્યાજના ગુનામાં સંડોવાયેલા શખ્સના પિતાએ પોલીસના ડર વિના હોસ્પિટલે જઇને ધમકી દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા શહેર પોલીસની નિષ્ઠા સામે અનેક સવાલો થઇ રહ્યા છે. સોની પરિવારનો માળો વિખેરી નાખનાર ચાર વ્યાજખોરો પૈકી એકની જ પોલીસે ધરપકડ કરી સંતોષ માની લીધો છે.

સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર આવેલા મિલાપનગરમાં ગત તા.19મીએ વ્યાજના ધંધાર્થીઓની ધાક ધમકીથી કંટાળી પતિ, પત્ની અને પુત્રએ ઝેરી દવા પી કરેલા આપઘાતના પ્રયાસ બાદ યુવાન પુત્રના મોત બાદ તેની માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હત્યાની કોશિષ અને વ્યાજના ગુનામાં સંડોવાયેલા નામચીન સંજયરાજસિંહ ઝાલા સહિત ચાર સામે પોલીસે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મિલાપનગર શેરી નંબર 2માં રહેતા કિતીઈભાઇ હરકિશનભાઇ ધોળકીયા (ઉ.વ.47), તેમના પત્ની માધુરીબેન (ઉ.વ.42) અને પુત્ર ધવલ ધોળકીયા (ઉ.વ.25) વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગત તા.19મીએ ઝેરી દવા પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયાં સારવાર દરમિયાન ધવલ ધોળકીયાનું મોત નીપજ્યું છે. ગત મોડીરાતે ધવલની માતા માધુરીબેનનું મોત નીપજ્યું છે.

ધવલ ધોળકીયાના મૃત્યુ પહેલાં પોલીસમાં લખાવેલી ફરિયાદમાં તેઓએ ધંધા માટે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પાસેથી 10 લાખ, સાલીની સાડીવાળા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂા.50 હજાર, ત્રિકોણબાગ નજીક બેસતા મહેબુબશા પાસેથી રૂા.8 લાખ અને કેવડાવાડીના ધવલ સમીર મુંધવા પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાથી તેઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ઢેબર રોડ પર આવેલી ધોળકીયા ઝેરોક્ષ નામની દુકાન લખાવી દેવા ધમકાવતા હોવાથી ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું.

વ્યાજના ધંધાર્થીઓ દ્વારા કિર્તીભાઇ ધોળકીયાને ધાક ધમકી દીધા અંગેના તેમના મોબાઇલમાંથી ઓડિયો ક્લિપ મળી આવ્યા છે. તેમજ તેઓને ગત તા.18મીએ માર માર્યો હોવાથી ડરના કારણે કિર્તીભાઇ, ધવલ અને માધુરીબેને ઝેરી દવા પીધાનું બહાર આવ્યું છે.

દરમિયાન ધવલ ધોળકીયાનું સારવાર દરમિયાન મોત નીપજતા યુનિર્વસિટી પોલીસે ચારેય સામે આત્મહત્યાની ફજર પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.બી.જાડેજા, પી.એસ.આઇ. બી.વી.ઝાલા, ડી સ્ટાફના સિધ્ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા અને ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે કેવડાવાડીના ધવલ સમીર મુંધવાની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે. લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા આ પહેલાં પણ હત્યાની કોશિષ અને વ્યાજના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.