Abtak Media Google News

જૂનાગઢમાં ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રી મેળાને લઇ જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથ દ્વારા કોરોનાની ગાઇડ લાઇન મુજબ ઉજવવામાં આવે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથના ભાવેશભાઇ વેકરીયાના જણાવ્યા અનુસાર ભવનાથ મેળા માટે વિવિધ 11 બાબતોને લઇ સરકાર અને સ્થાનિક વહિવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આ બેઠકમાં  7 માર્ચ મહાવદ નોમને રવિવારે સવારે 8 વાગ્યે ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવમાં સ્નાન બાદ ભવનાથ મંદિરમાં સાધુ, સંતો, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ધ્વજા ચડાવવામાં આવશે. જ્યારે 11 માર્ચ મહાવદ તેરસ ગુરૂવારે મહા શિવરાત્રીએ રાત્રીના 12 વાગ્યે શાહી રવાડી અને બાદમાં મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહુતિ કરવામાં આવશે. આ પૂર્વે દરેક અન્નક્ષેત્રો, ઉતારા મંડળો, ટ્રસ્ટો પરંપરા સાચવવા રાવટી નાંખી રસોડા ચાલું કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.

આ ઊપરાંત આ બેઠકમાં જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા તેમજ વન વિભાગે આ માટે પ્લોટો, તેમજ પોલીસ વિભાગે પાસનું વિતરણ, મહાનગરપાલિકા દ્વારા ભવનાથની સાફ સફાઇ, પાણીના ટેન્કર, ટાંકી તેમજ કચરા પેટી મૂકવા, ખાસ કરીને મહા શિવરાત્રી મેળા દરમિયાન રોપ વે ચાલુ રાખવા તેમજ વ્યાજબી દરે માં અંબાના દર્શન કરવાનો માંઇ ભક્તોને લાભ આપવા તથા જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક સુદર્શન તળાવની સાફ સફાઇ કરવા તેમજ જલ અનામત રાખવાની વ્યવસ્થા કરવા માટેની લાગણી અને માગણી વ્યકત થઈ હતી. આ ઉપરાંત પરંપરા અને શ્રદ્ધાને હાનિ ન પહોંચે તે માટે મહા શિવરાત્રી મેળાને લઇ તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવવામાં આવે અને માહિતી આપવામાં આવે તે જરૂરી ગણાવાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.