Abtak Media Google News

કોરોનાના નવા વાયરાઓ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યાં છે ત્યારે વાયરસને અટકાવવા માટે ‘રસીકરણ’ અસરકારક શસ્ત્ર પુરવાર થઈ રહ્યું હોવાનું ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. પ્રથમ વાયરામાં જ્યાં સુધી કોરોનાના મારણરૂપ રસી શોધાઈ ન હતી ત્યાં સુધી સમગ્ર સારવાર અંધારામાં તિરંદાજી જેવી હતી. હવે ભારતની ત્રણ અને વિશ્ર્વની અનેક અસરકારક રસી ઉપલબ્ધ છે ત્યારે નવા સ્ટ્રેઈનને કાબુમાં લેવા અને મૃત્યુઆંક ઘટાડવાથી લઈ કોરોનાની મારકતા ઘટાડવા માટે રસીકરણની ચોક્કસાઈ ભવિષ્યની સુનિશ્ર્ચિત કરનારી બની છે. રસીકરણના ચોક્કસાઈના પગલા અને પ્રત્યેકને રસી આપવાના મહાઅભિયાનને લઈ અમેરિકામાં હવે કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયું હોય તેમ આરોગ્ય વિભાગે અમેરિકનોને હવે માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી દીધી છે.

કોરોના મહામારીને અટકાવવા માટેના પ્રયાસોમાં રસીકરણને મહત્વ મળવું જોઈએ. ભારતમાં પણ કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ બાદ મજૂર વર્ગ, ડાયાબીટીશ, બ્લડપ્રેશરના દર્દીઓને રસીનુ કવચ અપાયા બાદ 18 વર્ષથી ઉપરના તમામની સુરક્ષા કવચ માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં તંત્રની વ્યવસ્થા, તકેદારી અને પ્રતિબદ્ધતામાં સામાજીક જાગૃતિનો મેળ થવો જોઈએ. કોરોનાની આ મહામારીમાં આપણી પાસે હવે એક વર્ષના અનુભવનું ભાથુ જમા પુંજી બની રહી છે. કોરોનાની લાક્ષણીકતા કાચિંડાની જેમ રંગ બદલવાના કારણે કોરોનાના નવા સ્ટ્રેઈનની આક્રમકતા અને ઘાતકતા વધતી જાય છે ત્યારે રસીકરણ એકમાત્ર શસ્ત્ર કોરોનાને અટકાવવા માટે કારગત નિવડે તેમ લાગી રહ્યું છે. અમેરિકાનો દાખલો જગત સમક્ષ છે. ભારતમાં પણ રસીકરણની ચોક્કસાઈએ ઘણા સારા પરિણામો આપ્યા છે. કોરોનાની આંધી જ્યારે શરૂ થઈ ત્યારે સમગ્ર વિશ્ર્વ માટે વિશ્ર્વની સૌથી ગીચ ગણાતી વસ્તી મહારાષ્ટ્રની ધારાવીની ઝુંપડપટ્ટી ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ પ્રથમ વાયરામાં જ મુંબઈ કોર્પોરેશન દ્વારા ધારાવીમાં જે રીતે સોશિયલ ડિસ્ટન્સ અને સંક્રમણને કાબુમાં લેવા માટે સ્વસ્છતાથી લઈ સેનેટાઈઝેશન અને સતત ચેકિંગ, ટેસ્ટીંગથી સંક્રમીત દર્દીઓને પ્રારંભીક લક્ષણમાં જ ઓળખી લઈ હોમ આઈસોલેટ કરવાની જે તકેદારી રાખવામાં આવી હતી તેનું ખુબજ સારૂ પરિણામ મળ્યું છે અને જ્યારે મહારાષ્ટ્ર આખામાં કોરોનાની આંધી ઉઠી હતી ત્યારે ધારાવીમાં નવા સંક્રમીત દર્દીની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.

રસીકરણમાં પણ ધારાવીએ દાખવેલી ચોક્કસાઈથી સંક્રમીત દર્દીઓના રિકવરી રેટમાં ભારે સકારાત્મક પરિણામો મળ્યા છે અને મૃત્યુદર કાબુમાં આવ્યો છે. સો વાતની એક વાત કોરોનાને મહાત આપવી હશે તો દરેકને સાવચેતીથી રસીકરણ કરાવવામાં ચિવટ દાખવવી પડશે. કોરોનાના નવા-નવા સ્ટ્રેઈન આવી રહ્યાં છે ત્યારે તેનાથી બચવા માટેનું એકમાત્ર શસ્ત્ર રસીકરણ કારગત નિવડી રહ્યું છે ત્યારે કોઈ વ્યક્તિ રસી વિના ન રહે એટલી જ સાવચેતી રાખવામાં આવે તો અમેરિકાની જેમ ભારતમાં  પણ કોરોના કાબુમાં આવી જાય તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.