Abtak Media Google News

કોરોનાની બીજી લહેરમાંથી દેશ હેમખેમ બહાર નીકળી જતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતુ. કોરોનાકાળમાં આજે 9મી વખત વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા છે. ‘મન કી બાત’ બાદ રાષ્ટ્રજોગ સંબોધનની આ જાહેરાતના પગલે સમગ્ર દેશમાં ભારે ઉત્તેજના વ્યાપી હતી.
વડાપ્રધાન દ્વારા આજે કરાયેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના પરિસ્થિતિ વિશે વાત કરી રસીકરણ મુદ્દે અને ગરીબ લોકોના પેટનો ખાડો પુરવા મહત્વની જાહેરાત કરી છે.

રાજ્યોને મફતમાં મળશે રસી

બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનો ગજ દેશમાં હવે ન વાગે અને લોકો કોરોનાથી સુરક્ષીત રહે તે માટે રસીકરણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આધુનિક મેડિકલ સાયન્સમાં કોરોનાના અસરકારક ઈલાજ માટે રસીકરણની સુરક્ષાને અકસીર માનવામાં આવી છે. રસીકરણની પ્રક્રિયામાં મોટા બદલાવોની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે રસીકરણનો ખર્ચ પહેલાની જેમ કેન્દ્ર સરકાર જ ભોગવશે. 21 જુનના રોજ યોગ દિવસ નિમિત્તે ભેટ સ્વરૂપે આ નવો નિયમ અમલી બનશે અને 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કેન્દ્ર દ્વારા મફતમાં રસી ફાળવવામાં આવશે.

80 કરોડ લોકોની જઠરાગ્નિ ઠરશે

આ સાથે બીજી અગત્યની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદ્દત દિવાળી સુધી વધારી દેવાઈ છે. કોરોના કાળમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે, દરેક ગરીબને ભોજન મળી રહે તે માટે સરકારે મુદ્દત વધારી છે. સરકારના આ નિર્ણયથી દિવાળી સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળશે.

હાલ વેક્સિન જ આપણું રક્ષા કવચ

કોરોનાકાળમાં ૯મી વખતના આ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેર સામે લડાઈ યથાવત છે. બીજી લહેરમાં પ્રાણવાયુની ખૂબ અછત ઉભી થઈ માંગને સંતોષવા કોઈ કસર નથી છોડાઈ. “કોરોના કવચ” પર ભાર મુકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલ વેક્સિન જ આપણું રક્ષા કવચ. ભારતમાં રસી ન બની હોત તો કેવી સ્થિતિ ઉભી થઈ હોત તે વિચારવા જેવું છે. ઉત્પાદક કંપની, વૈજ્ઞાનિકોને બિરદાવતા તેમણે કહ્યું કે ખૂબ ઓછા સમયમાં ભારતે પોતાની રસી ઉત્પાદન કરી લીધી. તે ગૌરવની વાત છે. અત્યાર સુધીમાં ૨૩ કરોડ ડોઝ ફાળવાયા છે.

નાકમાં અપાય તેવી રસી ટ્રાયલ હેઠળ

સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે દેશમાં વધુ 3 રસી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે. વિભન્ન પ્રકારની 7 રસી ટ્રાયલ હેઠળ છે. કોરોના સામે નાકમાં પણ અપાતી રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે રસીકરણની પ્રક્રિયાને લઈ સરકાર પર ઘણાં પ્રશ્નો પણ ઉઠ્યા. કેન્દ્રએ ગાઈડલાઈન તૈયાર કરી રાજ્યોને જવાબદારી સોંપી પરંતુ હવે રસીકરણનો હવાલો હવે કેન્દ્ર જ સંભાળશે. વેકસીનેશનની જવાબદારી રાજ્યો પર નહીં રહે. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને કેન્દ્ર ફાળવશે મફતમાં રસી ફળવશે. તેમજ રસીનો 25 ટકા જથ્થો ખાનગી હોસ્પિટલને અપાશે.

યુવાઓને કરી અપીલ

રસીકરણને લઈ ક્યાંક ઉત્સાહ છે તો ક્યાંક ઉદાસીનતા પણ જોવા મળી રશી છે. ઘણાં લોકો રસી ન લેવા પણ એકાબીજાને ચડામણી કરી રહ્યા છે. આડઅસર થવાનો ભય ફેલાવી રહ્યા છે. ત્યારે આ અંગે વડાપ્રધાને જણાવ્યું કે જે લોકો રસી પર અફવા ફેલાવે છે તેઓ લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. અને આ માટે યુવાઓએ આગળ આવવું પડશે. વેક્સિન માટે જાગરુકતા ફેલાવવા પીએમ મોદીએ યુવાઓને અપીલ કરી છે.

કોરોના દરમિયાન વડાપ્રધાને 9 વખત કર્યું દેશને સંબોધન

• પ્રથમ વખત: 19 માર્ચે 2020-29 મિનિટનું ભાષણ, જનતા કર્ફ્યૂની અપીલ.
• બીજી વખત: 24 માર્ચે 2020-29 મિનિટનું ભાષણ, 21 દિવસના લોકડાઉનની જાહેરાત.
• ત્રીજી વખત: 3 એપ્રિલ 2020- 12 મિનિટનો વીડિયો સંદેશ, 9 મિનિટ લાઈટ બંધ કરવાની અપીલ.
• ચોથી વખત: 14 એપ્રિલ 2020-25 મિનિટનું ભાષણ, દેશમાં 3 મે સુધી લોકડાઉન વધ્યું
• પાંચમી વખત: 12 મે 2020- 33 મિનિટનું ભાષણ, આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ.
• છઠ્ઠી વખત: 30 જૂન 2020- 17 મિનિટનું ભાષણ, અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત.
• સાતમી વખત: 20 ઓક્ટોબર 2020- બિહારમાં વોટિંગના 8 દિવસ પહેલાં તેમણે અપીલ કરી- જ્યાં સુધી કોરોનાની દવા નહિ, ત્યાં સુધી ઢીલાશ નહિ.
• આઠમી વખત: 20 એપ્રિલ 2021- 19 મિનિટનું ભાષણ, રાજ્યોને કહ્યું કે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. સરકાર એનો અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે.
●9મી વખત: 7 જૂન 2021- રસીકરણ અને ગરીબોના પેટનો ખાડો બુરવા મહત્વની જાહેરાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.