રાજકોટમાં રસીકરણની ઝુંબેશ : મંગળવારે પાંચ સ્થળોએ કોરોના વેકસીનનું રિહર્સલ

કોરોના વેક્સીન પહેલાની મોકડ્રીલ (ડ્રાય રન) માટે ટ્રેનીંગ અપાઈ, કાલથી બે દિવસ પ્રિપેરેશન

કોરોના વેક્સીન આપવા ચાર રાજ્યમાં ગુજરાતની, જયારે રાજ્યના શહેરોમાં  ગાંધીનગર અને રાજકોટની પસંદગી

સમગ્ર દેશ કોરોના વેક્સીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેક્સીનને લઈને ટ્રાયલ ચાલી રહ્યા છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેક્સીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ જણાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ (ડ્રાય રન) અંગેની ટ્રેનીંગ આપવામાં આવી હતી.કાલથી બે દિવસ પ્રિપેરેશન શરૂ કરવામાં આવશે અને ૨૯ મીના રોજ શહેરમાં પાંચ સ્થળે મોકડ્રીલ યોજાશે. સમગ્ર ભારતમાં ચાર રાજ્યોમાં પ્રથમ તબક્કાની વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં આસામ, ગુજરાત, પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર અને રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા વેક્સીન અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરના પાંચ સ્થળોને પ્રાઇમરી વેક્સીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે, જેમાં પદ્મકુંવરબા હોસ્પિટલ,સ્ટર્લિંગ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર,  શેઠ હાઈસ્કુલ, ૮૦ ફૂટ રોડ અને  શાળા નં. ૩૨ નો સમાવેશ થાય છે. તમામ સ્થળોએ મેડીકલની ટીમ દ્વારા ૨૯મી ડિસેમ્બરે મોકડ્રીલ (ડ્રાય રન) શરૂ કરવામાં આવશે.

મોકડ્રીલ (ડ્રાય રન) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ એકસરખી કામગીરી કરવામાં આવશે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ,મેડિકલ ઓફિસર., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહેશે.

મનપા દ્વારા સર્વે કરી એકત્ર કરાયેલ ડેટા પ્રમાણે લોકોને બોલાવવામાં આવશે, પસંદગી કરાયેલ પાંચ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ  સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

આ મોકડ્રીલ (ડ્રાય રન) પસંદગી થયેલ તમામ રાજ્યોના શહેરોમાં શરૂ કરવામાં આવેલ છે. જેનાથી વેક્સીન સમયે ઉદ્ભવતા પ્રશ્નોનો પહેલાથી જ નિરાકરણ કરી શકાય. ડોક્યુમેન્ટ સંબંધી અથવા સોફ્ટવેર સંબંધી પ્રશ્નોનો નિરાકરણ કરી શકાય તેમજ આવનારા દિવસોમાં કોરોનાની વેક્સીન આપવાની થાય ત્યારે વધારે સારી રીતે અમલીકરણ કરી શકાય.