Abtak Media Google News

મહા વેક્સિનેશન અભિયાનમાં 18284 લોકોનું રસીકરણ: 98.50 ટકા વસતીને સુરક્ષા કવચ

શહેરમાં આજ સુધી પ્રથમ અને બીજો મળીને કુલ 17,35,228 વેક્સિનના ડોઝ આપી દેવાયા

કોર્પોરેશન દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા મહા વેક્સિનેશન અભિયાન અંતર્ગત મોડીરાત સુધીમાં 18284 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 98.50 ટકા વસ્તીને હવે કોરોના સામે વેક્સિનનું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજો મળી કુલ 17,35,228 વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલે 29 સેશન સાઈટ પર કોવિશિલ્ડ અને બે સેશન સાઈટ પર કો-વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝની કામગીરી 98.50 ટકા અને બીજા ડોઝની કામગીરી આશરે 85 ટકા જેવી પૂર્ણ થઈ જવા પામી છે.

મહાપાલિકા દ્વારા ગઈકાલના રોજ હાથ ધરવામાં આવેલા કોરોના વેક્સિનેશન અભિયાનમાં મોડી રાત્રિ સુધી કામગીરી કરી કુલ 18284 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 6923 લોકોને પ્રથમ ડોઝ અને 11361 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશનમાં અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ એમ બંને મળીને કુલ 17,35,228 ડોઝ અપાયેલ છે, જેમાં 11,20,156 લોકોને પ્રથમ ડોઝ અને 6,15,072 લોકોને (જે લોકોને પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેના 84 દિવસ પુરા થઇ ગયા હોય તે એલીજીબલ લોકોને) બીજો ડોઝ આપવામાં આવેલ છે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝની 98.5 ટકા કામગીરી અને બીજા ડોઝની આશરે 85 ટકા કામગીરી પુરી કરવામાં આવેલ છે.

કોરોના વેક્સિનેશન મહાભિયાન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સહિત અધિકારીઓ / કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહયા હતા. જેમાં મહાનગરપાલિકાની નક્કી કરાયેલી મુખ્ય વોર્ડ ઓફિસો અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેની સાઈટ તેમજ 90 મોબાઈલ વાનની ટીમમાં આરોગ્યના કુલ 662 પેરામેડીકલ અને તબીબી સ્ટાફ વેક્સિનેશનની કામગીરીમાં કાર્યરત રહેલ. દિવસ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ બીગબજાર, બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ, લલુડી વોંકળી, લોહાણાનગર તેમજ અમિન માર્ગ ખાતેના સીટી સિવિક સેન્ટર ખાતેના વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી. આ વેક્સિનેશન અભિયાન અનુસંધાને નાગરિકોને ફોન કોલ કરી વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવી હતી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાનાં 180 કર્મચારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના 500 જેટલા શિક્ષકોએ ફરજ બજાવી હતી.

વિશેષમાં બિગબજાર ખાતેના વેક્સિનેશન કેન્દ્રમાં મોલના ગ્રાહકોને રસી આપવામાં આવી હતી. જેમાં બિગબજાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ ઝુંબેશને સહકાર આપવાના ભાગરૂપે વેક્સિન લેનાર ગ્રાહકો માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો હતો. જેમાં સાંજે લક્કી ડ્રો કરાયા બાદ ત્રણ વિજેતા ગ્રાહકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી. દરમ્યાન આરોગ્ય શાખાની ટીમો દ્વારા બી.આર.ટી.એસ. રૂટ પર દોડતી બસોમાં પણ પેસેન્જરોને વેક્સિન આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.