ગણતરીના સપ્તાહમાં વેકસીન આવી જશે : મોદી

કોરોનાની વેકસીનને લઈને વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠક યોજી : વેકસીન માટે ખાસ સોફ્ટવેર- નેટવર્ક તૈયાર

કેન્દ્ર સરકારે આજે કોરોના અંગે સર્વપક્ષીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મિટિંગમાં તેમણે કહ્યું હતું, કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી મોદીની આ પહેલી અને મહત્ત્વની બેઠક છે.

વડાપ્રધાને કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકોને તેમની સફળતા પર વિશ્વાસ છે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત છે. દુનિયાની નજર ઓછી કિંમતવાળી સૌથી સુરક્ષિત વેક્સિન પર છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ઈંઈખછ અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ ૮ એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે, જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.

વેક્સિનના ડિસ્ટ્રિબ્યુશન અંગે પણ કેન્દ્ર અને રાજ્યની ટીમ મળીને કામ કરી રહી છે. અન્ય દેશોની તુલનામાં આપણે શ્રેષ્ઠ છીએ. આપણી પાસે વેક્સિનેશન માટે દુનિયાનું સૌથી મોટું અને અનુભવી નેટવર્ક છે. જે પણ વધુ જરૂર હશે, એનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોલ્ડ ચેઇનને મજબૂત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ભારતે વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે, જેમાં કોરોના વેક્સિનના લાભાર્થી વેક્સિન સાથે જોડાયેલી રિયલ ટાઈમની માહિતી મેળવી શકે છે. કોરોના વેક્સિન સાથે જોડાયેલા અભિયાનનું દાયિત્વ નેશનલ એક્સપર્ટ ગ્રુપને આપવામાં આવ્યું છે. આ ગ્રુપ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાતોના હિસાબથી નિર્ણય આ ગ્રુપમાંથી લેવાશે.ભારતની ૩ અલગ અલગ વેક્સિનની ટ્રાયલ અલગ તબક્કામાં છે. એક્સપર્ટનું માનવું છે કે વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે. માનવામાં આવી રહ્યું છે કે આગામી થોડાંક સપ્તાહમાં વેક્સિન તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળતાંની સાથે જ ભારતમાં વેક્સિનેશન શરૂ કરી દેવાશે. પહેલા તબક્કામાં કોને વેક્સિન લગાવાશે એ અંગે પણ કેન્દ્ર રાજ્યોનાં સૂચન પર કામ કરી રહ્યું છે. પ્રાથમિકતા હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને પહેલાંથી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા વુદ્ધોને આપવામાં આવશે.

વેક્સિનની કિંમતનો સવાલ પણ સ્વાભાવિક છે. કેન્દ્ર આ સંબંધમાં રાજ્યો સાથે વાત કરી રહ્યું છે. નિર્ણય જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવાશે. ભારત આજે એ દેશોમાં છે, જ્યાં દરરોજ ટેસ્ટિંગ વધી રહ્યું છે. ભારત એવા દેશોમાં છે, જ્યાં રિકવરી રેટ વધુ અને મૃત્યુદર ઘટી રહ્યો છે. આપણે જે રીતે કોરોના વિરુદ્ધ જંગ લડી, એ પ્રત્યેક દેશવાસીની ઈચ્છાશક્તિને દેખાડે છે. ભારતે વિકસિત દેશોની તુલનામાં લડાઈ સારી રીતે લડી છે.મીટિંગમાં મોદી સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના સામેલ થવાની આશા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ સામેલ થશે. આ મીટિંગ એવા વખતે બોલાવવામાં આવી છે જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસને કારણે સંસદના શિયાળુ સત્રને બજેટ સત્ર સાથે મર્જ કરવાની ચર્ચા ચાલી હતી.મોદી કોરોનાની સ્થિતિ સાથે જ વેક્સિન ડેવલપમેન્ટ પર પણ સતત નજર રાખી રહ્યા છે. તેમણે ૩૦ નવેમ્બરે વિડિયો-કોન્ફરન્સ દ્વારા જેનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીઝની ટીમ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તેમને સલાહ આપી કે સામાન્ય લોકોને વેક્સિનની અસર જેવી વાતો વિશે સરળ શબ્દોમાં સમજાવવા માટે એક્ટ્રા એફર્ટ લગાવો.

મોદીની દેશવાસીઓને ખાસ અપીલ : ‘અફવાઓથી બચો’

આપણે માત્ર આપણા દેશના નાગરિકોની જ ચિંતા નથી કરી રહ્યા, પણ અન્ય દેશોની મદદ કરવા માટે પણ કામગીરી કરી રહ્યા છીએ. ફેબ્રુઆરી-માર્ચની આશંકાઓ ભરેલા માહોલથી માંડી આજે ડિસેમ્બરનાં વિશ્વાસ અને આશાઓના વાતાવરણ વચ્ચે ભારતે લાંબી યાત્રા નક્કી કરી છે. હવે જ્યારે વેક્સિન તૈયાર થવાના આરે છે તો એ જ જનભાગીદારી, સહયોગ આગળ પણ જરૂરી છે. તમે બધા અનુભવી સાથીઓનાં સૂચન પણ સમય સમયે આમાં ભૂમિકા નિભાવશે. જ્યારે આટલું મોટું રસીકરણ અભિયાન ચાલે છે, તો અનેક અફવાઓ સમાજમાં ફેલાવવામાં આવે છે. આ જનહિત અને રાષ્ટ્રહિતની વિરુદ્ધ છે. તમામ પક્ષોનું દાયિત્વ છે કે દેશના નાગરિકોને જાગ્રત કરે અને અફવાઓથી બચાવે.