રાજકોટનાં રિજિયોનલ વેકસીન સ્ટોર-પરથી ૮ જિલ્લામાં વેકસીન સપ્લાય થશે

????????????????????????????????????

– ૧૫ થી – ૨૫ સેન્ટીગ્રેડ તાપમાને ૧ લાખ વાયલ અને +૨થી +૮ સેન્ટીગ્રેડ તાપમાને ૨ લાખ વાયલ સ્ટોરેજની ક્ષમતાના ફ્રીઝર ઉપલબ્ધ

કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત રસીના સ્ટોરેજ તેમજ વિતરણ માટે વહીવટી તંત્ર દ્વારાહાલ જોરશોરથી આયોજન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે રિજિયોનલ વેક્સીન સ્ટોર પૂર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું હોવાનુ આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું છે.

રાજકોટ ખાતેથી ૮ જિલ્લા અને ૩ મહાનગરપાલિકામાં વેક્સિન સપ્લાય કરવામાં આવશે. રાજકોટ સ્થિત વેક્સીન સ્ટોરમાં +૨ થી +૮ સેન્ટીગ્રેટ તાપમાનમાં સ્ટોર કરવા માટે  બે વોક ઈન કુલર (WIC)અને ત્રણ આઈસ લાઈન રેફ્રિજરેટર (ILR) કાર્યરત છે. જેમાં અંદાજિત બે લાખ વાયલ સ્ટોર કરવાની કુલ ક્ષમતા છે. અત્રેના સ્ટોર ખાતે  ૧૫થી – ૨૫ સેન્ટિગ્રેડ તાપમાનમાં સ્ટોર કરવા માટે ૬ ડીપ-ફ્રીજર કાર્યરત છે જેમાં કુલ અંદાજિત ૧ લાખ વાયલ તાપમાનમાં સ્ટોર કરવાની કુલ કેપેસિટી હોવાનુ ડો. મહેતાએ જણાવ્યું છે. એક WIF રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવ્યું છે. તે ટુંક સમયમાં કાર્યરત થઈ જશે. ડો. રૂપાલીએ વધુ માહિતી આપતા જણવ્યું છે કે, રાજકોટ ખાતે ઉભા કરાયેલા રિજિયોનલ વેક્સીન સ્ટોર મારફત રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, ભુજ, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દેવભૂમિ દ્વારકા ખાતેના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેન પોઇન્ટ પર ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવા માટેનું આયોજન વહીવટી વિભાગ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત હેઠળના ૧૦૧ કેન્દ્ર, જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના ૫૬, જૂનગાઢ મહાનગરપાલિકા અને પંચાયતના ૫૭, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ૩૨, પોરબંદર જિલ્લા પંચાયતના ૨૦, મોરબી જિલ્લાના ૪૨, ભુજ જિલ્લા પંચાયત ખાતે ૯૩ તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયત હેઠળ ૪૧ સ્ટોરેજ કેન્દ્ર નિશ્ચિત કરાયાનું ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું છે.

વિભાગીય ફાર્માસીસ્ટ આર. કે ડોબરીયાએ જણાવ્યું હતું કે પોલિયો સહીત અન્ય વેક્સીન હાલ આ સ્ટોરેજ ખાતે કાર્યરત છે. તમામ ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN  સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે અત્રેની કચેરી ખાતે એક વેક્સીન વાન છે અને તમામ જિલ્લા અને મહાનગર પાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.