- વડોદરામાં દવાની આડમાં ચાલતું નશીલી કફ સીરપનું કૌભાંડ ઝડપાયું
- 2,570 નંગ કફ સીરપની બોટલોનાં જથ્થા સાથે 2 વેપારીની ધરપકડ
વડોદરા શહેર વિસ્તારમાં SOG પોલીસની ટિમ પેટ્રોલીંગમાં મેડિકલ સ્ટોરની આડમાં ચાલતા નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કર્યો છે. SOG પોલીસને બાતમી મળી હતી કે, કલાદર્શન 4 રસ્તા પાસે રતિલાલ પાર્કના મકાન નં-એ/50માં રહેતો વિપુલ રાજપુત તેના મિત્ર કેયુર રાજપુત સાથે મળીને તેના ઘરમાં નશાકારક કફ સીરપનો જથ્થો સંતાડી રાખીને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલમાં પણ વેચાણ ચાલુ છે.
બાતમીના આધારે SOG પોલીસની ટીમે કલાદર્શન ચાર રસ્તા પાસે રતિલાલ પાર્કના મકાન નં-એ/50માં રેઇડ કરતા વીપુલ રાજપુત અને કેયુર રાજપુત હાજર મળી આવતા તેઓના મકાનમાંથી ઝડપી તપાસ દરમિયાન નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવતા વડોદરા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર તથા FSL અધિકારીને સ્થળ પર બોલાવી ખરાઇ કરતા ગેરકાયદેસર રીતે કોડીન (નશાકારક કફ સીરપ)નો સંગ્રહ અને વેપાર કરતા હોવાનું જણાય આવ્યું હતું.
અનુસાર માહિતી મુજબ, SOG પોલીસે મકાનમાંથી કોડીન (કફ સીરપ) સ્ટીકર વાળી તેમજ સ્ટીકર વગરની સીરપની બોટલો નંગ- 2570 જેની કિંમત રૂપિયા 5,78,250 તથા તેને લગત સાધન સામગ્રી થેલો, ખાલી બોક્ષ, મોબાઇલ ફોન, રોકડા રૂપિયા, વ્હીકલ સહિત કુલ કિમત રૂપિયા 7,89,150નો મુદામાલ કબજે કરી સ્થળ પર હાજર મળી આવેલ વીપુલ રાજપુત અને કેયુર રાજપુતની અટકાયત કરી હતી. તેમજ તેમના વિરુધ્ધમાં પાણીગેટ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી કેયુર રાજપુત વિરુધ્માં આણંદ ભાલેજ પોલીસ મથકે અગાઉ પણ NDPS એકટ હેઠળ ગુનો નોધાયેલ છે. આરોપી વિપુલ રાજપુત વાઘોડીયા રોડ પર ઓકલેન્ડ ફાર્મસી નામની મેડીકલ સ્ટોર ધરાવે જયારે કેયુર રાજપુત ખંટબા ખાતે અર્બન રેસીડન્સીમાં મેડીકલ સ્ટોર ચલાવે છે. આ બન્ને આરોપીઓ સાથે મળી કોડીન કફ સિરપનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે નશો કરવા વાળા ગ્રાહકોને કોડીનની બોટલો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા.