બે દાયકા બાદ સૌરાષ્ટ્રવાસીઓ સામે ફરી દુષ્કાળ નામનો રાક્ષસ અટહાસ્ય કરી રહ્યો છે

સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા જ પાણી: સાતમ આઠમના તહેવારો પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની તીવ્ર હાડમારી ઉભી થવાની દહેશત

જગતાત માટે એકંદરે વર્ષ નિષ્ફળ જેવું: હવે પશુધન અને પીવા માટે વરસાદની તાતી આવશ્યકતા: એક અઠવાડીયામાં સંતોષકારક વરસાદ નહી પડે તો સ્થિતિ ચિંતાજનક

વરસાદ ખેંચાવાના કારણે સૌરાષ્ટ્રમાં ખેતી માટે હવે આ વર્ષ લગભગ નિષ્ફળ જેવું જ રહ્યું છે. જો એકાદ સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની પણ હાડમારી ઉભી થાય તેવી મહામુસિબત વિકરાળ મોઢુ ફાળીને ઉભી છે. જળાશયોનાં તળીયા દેખાવા લાગ્યા છે. દિવાળી સુધી ચાલે તેટલું પાણી પણ ડેમોમાં નથી રાજયની જીવાદોરી મનાતા સરદાર સરોવર ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક થવા પામી નથી. ભવિષ્યનું ચિત્ર ખૂબજ બિહામણું ભાસી રહ્યું છે. જો એક સપ્તાહમાં વરસાદ નહી પડે તો સાતમ આઠમના તહેવારો પૂર્ણ થતાની સાથે જ રાજયભરમાં પાણીનો પ્રશ્ર્ન ઉભો થશે. સિંચાઈની વાતતો દૂર રહી લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવું પણ રૂપાણી સરકાર માટે મોટો પડકાર બની જશે.

ગુજરાતમાં આ વર્ષ નૈઋત્યના ચોમાસાના વહેલા આગમન બાદ છેલ્લા બે માસમાં વરસાદના માત્ર બે સામાન્ય રાઉન્ડમાં નામ પૂરતો જ વરસાદ પડવાના કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી નથી. આ ઉપરાંત રાજયની જીવાદોરી માનતા સરદાર સરોવર ડેમના સ્કેચમેન્ટ વિસ્તાર એવા મધ્યપ્રદેશ રાજયમાં પણ સારો વરસાદનો અભાવ છે જેના કારણે નર્મદા ડેમમાં પણ પાણીની આવક થવા પામી નથી. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવણી નિષ્ફળ જવા પામી છે. અમૂક વિસ્તારોમાં હજી એકાદ સારો વરસાદ પાકને બચાવી શકે તેવી સ્થિતિમાં છે.

જળાશયોની સ્થિતિ પર નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રના મૂખ્ય 141 જળાશયોમાં માત્ર 40 ટકા જેટલુ પાણી છે. ઉતર ગુજરાતમાં 23.97 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાતમાં 60.40 ટકા, કચ્છમાં 21.34 ટકા જળજથ્થો સંગ્રહિત છે. સૌથી મોટી ઉપાધી એ છે કેજેનાથી આખા રાજયની તરસ છીપાવી શકાય તે સરદાર સરોવરમાં માત્ર 45.51 ટકા જ પાણી છે.

ખેડુતો માટે હવે આ વર્ષ નિષ્ફળ જેવું જ મનાઈ રહ્યું છે. હવે ચિંતા પશુધનમાટે ઘાસચારાની અને પીવાના પાણીની છે. જે શહેરો કે ગામો સંપૂર્ણ પણે નર્મદાના નીર પર આધારિત છે.તેની સ્થિતિ વધુકફોડી બનશે. એકપણ ડેમમાં દિવાળી સુધી ચાલે તેટલું પણ પાણી સંગ્રહિત નથી આવામાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે ઝજજુમી રહેલી રૂપાણી સરકાર પાણીનું આયોજન કરવું સૌથી મોટી ઉપાધી બની જવા પામી છે. ભર ચોમાસે સૌરાષ્ટ્રભરમાં પાણીનો પોકાર સર્જાયો છે. ગામે ગામથી નર્મદાનું પાણી આપવાની માંગ ઉઠી રહી છે.

છેલ્લા બે દાયકાથી દુષ્કાળને વિસરી ગયેલી સૌરાષ્ટ્રની જનતા હવે દુષ્કાળના દિવસોતો નહી આવે ને તેવી કલ્પના માત્રથી ધ્રુજી ઉઠે છે. એક બેડા પાણી માટે યુધ્ધ ખેલાતા હતા. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા અને કિલોમીટરના કિલોમીટર સુધી જવા છતા પાણી મળતું નહતુ. આવા દિવસો તો ફરી નહી આવે ને તેવા વિચારો જ નજરની સામે હૃદયદ્રાવક દ્રશ્યો ખડા કરી દે છે.

ચોમાસાની સિઝન હજી પુરી થઈ નથી સૌરાષ્ટ્રમાં ભાદરવા મહિનામાં પણ ભરપૂર મેઘ વરસ્યાના દાખલા છે. લોકો આવી આશા રાખીને બેઠા છે. જો હવે એકાદ સપ્તાહમાં મેઘરાજા મન મૂકીને હેત નહી વરસાવે તો દુષ્કાળ નામનો રાક્ષસ ફરી ધ્રુણવા લાગશે. સિંચાઈ માટે પાણી આપવાની યોજના ઘડતી રૂપાણી સરકાર પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડશે.

ઉપાધી: સૌરાષ્ટ્રની તરસ છીપાવતો “સરદાર” ખુદ પ્યાસો!!

સરદાર સરોવર ડેમમાં માત્ર 45.51 ટકા જ પાણી

સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટી ચિંતાનો અને ધબકારા વધારી દેતો પ્રશ્ર્ન એ છેકે સૌરાષ્ટ્ર આખાની ભૂખ માંગતો અને તરસ છુપાવતો સરદાર સરોવર ડેમ આ વર્ષે ખૂદ પ્યાસો છે. નર્મદા ડેમમાં માત્ર 45.51 ટકા જ પાણી છે. ભર ચોમાસે સૌરાષ્ટ્રના અનેક ગામોએ રાજય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરી રહ્યા છે. ડેમના સ્ત્રાવ વિસ્તાર એવા મધ્યપ્રદેશમાં સંતોષકારક વરસાદના અભાવે નર્મદાડેમમાં પાણીની આવક થવા પામી નથી. ડેમમાં હાલ માત્ર 45.51 ટકા જ પાણી સંગ્રહીત છે. ગત વર્ષ ડેમ સતત એક મહિના સુધી ઓવર ફલો થતો રહ્યો હતો. પરંતુ આ વર્ષે ચિત્ર અલગ છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક નહી થાય તો ઉનાળો કાઢવો ગુજરાતવાસીઓ માટે કઠીન જ નહી પરંતુ મહામૂશ્કેલ બની છે. સારા ચોમાસા બાદ પણ સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામડાઓને

સરદાર સરોવર ડેમમાંથી પાણી આપવામા આવે છે. આ વર્ષ અપૂરતા વરસાદના કારણે ગામે ગામથી નર્મદાના પાણીની માંગણી ઉઠશે. હજી ચોમાસાની સિઝને વિદાય લીધી નથી. ભાદરવામા મેઘરાજા મનમૂકીને વરસે તેવી આજીજી સર્વત્ર થઈરહી છે.

ભાદરવો ભરપૂર રહે તેવી આશા અન્યથા પાક-પાણીનો સત્યનાશ

અનરાધાર વરસાદની જરૂરિયાત વચ્ચે માત્ર હળવા ઝાપટા વરસાવે છે મેઘરાજા

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચ વર્તાય રહી છે. અગાઉ અનેક વખત એવું બન્યું છે કે ચોમાસાની સિઝનમાં ખાલીખમ રહેલા જળાશયોને મેઘરાજાએ ભાદરવામાં ભરપૂર હેત વરસાવી એક જ રાતમાં છલકાવી દીધા હોય આ વર્ષ પણ સૌરાષ્ટ્રવાસીઓ મેઘરાજા પાસે કંઈક આવી જ આશા રાખીને બેઠા છે. જો ભાદરવા માસમા જો મેઘરાજા મનમૂકીને હેત નહી વરસાવે તો પાક અને પાણીનો સત્યનાશ નીકળી જશે. જળાશયોમાં પર્યાપ્ત પાણી નથી જેમ તેમ કરી દિવાળી આવી જશે. પરંતુ દિવાળી બાદના દિવસો આંખમાંથી પાણી લાવી દેશે. દુષ્કાળની એ કાળી કલ્પના ધ્રુજાવી રહી છે. સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની વાટ વચ્ચે વરૂણદેવ માત્ર હળવા ઝાપટા વરસાવી સંતોષમાની લે છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 55 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ બે ઈંચ વરસાદ વરસ્યો હતો હાલ સાર્વત્રીક વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.