વાર્યા ન વરે, ઈ હાર્યા વળે: અંતે ટ્રમ્પે હથિયાર હેઠા મુકી દીધા

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ન છોડવા માટે છેલ્લી ઘડી સુધી કરેલા પ્રયાસો અંતે નાકામ: ઘમાસાણ પછી અંતે ટ્રમ્પે બિડેનનો વિજય સ્વીકાર્યો

વાર્યા ન ફરે, હાર્યા ફરે… વિશ્ર્વની સક્ષમ લોકશાહીની ધાક અને જગત જમાદારી માટે જાણીતી અમેરિકન લોકતંત્રની સમગ્ર વિશ્ર્વમાં ફજેતી કર્યા બાદ અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી લીધી હોય તેમ ધમાસાણ પછી ટ્રમ્પે બિડેનનો વિજય સ્વીકારી લીધાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અમેરિકન લોકતંત્ર માટે કાળો દિવસ બની રહેલી ગઈકાલની વોશિંગ્ટન ડીસીની ઘટના અને કેપિટલ હાઉસ પર ટ્રમ્પના સમર્થકોના હુમલાએ અમેરિકાના ઈતિહાસને કલંકીત કરી દીધું હતું. ‘બુંદ કી બીગડી હોજ ભરેસે નહીં સુધરતી’ની જેમ ટ્રમ્પ હવે બિડનના વિજયને સ્વીકારવા રાજી થયા છે અને પોતે સ્કોટલેન્ડ વસી જવાની જાહેરાત કરી ચૂક્યા છે.

અમેરિકાની ચૂંટણીના પ્રારંભથી જ ટ્રમ્પ કાર્ડના જોરથી બિડેનને બિડવવા માટે તમામ પ્રકારના ધમપછાડા કરી ચૂકેલા ટ્રમ્પના સમર્થકોએ ગઈકાલે રાજધાનીને બાનમાં લઈ લીધી હતી. કેપિટલ હાઉસ પર ચડાઈની સ્થિતિએ સર્જેલી અફરા-તફરી વચ્ચે હિંસક ઘટનાઓમાં ચારના ભોગ લેવાઈ ચૂક્યા હતા.

બિડેને ગઈકાલની તમામ ઘટનાઓ માટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતા. તેમને આવી આંતરીક ત્રાસવાદની પ્રવૃતિઓ કરવી જોઈતી ન હતી. બિડેને જણાવ્યું હતું કે, ટ્રમ્પે વોશિંગ્ટન અને અમેરિકાની લોકતાંત્રીક વ્યવસ્થાને ક્યારેય ન ભુંસાય તેવો ડાઘ આપી દીધો છે અને ચાર વર્ષના શાસન દરમિયાન ગઈકાલના દિવસે ટ્રમ્પ કાર્ડની ઉન્માદની ચરમસીમા હતી. હજ્જારો ટ્રમ્પ સમર્થકોએ હિંસક દેખાવો કર્યા હતા અને કોર્ટના નિર્ણયો પણ ફગાવી દઈને ટ્રમ્પે જોહુકમી અને સરમુખત્યારશાહીનું પ્રદર્શન કર્યું હતું.

ચૂંટણી દરમિયાન આક્રમક પ્રચાર અને બેફામ વાણી વિલાસ અને અમેરિકન લોકતંત્રની આદર્શ વ્યવસ્થા ગણાતી ડિબેટમાં પણ ટ્રમ્પે પોતાની મનની ચલાવી હતી. ચૂંટણીના પરિણામો પણ તેમણે માન્ય રાખ્યા ન હતા અને આખી ચૂંટણી વ્યવસ્થા પર આંગળી ઉઠાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ઈફેકટ પણ ટ્રમ્પ માટે મુશ્કેલીનું કારણ બની હતી અને તે સોશિયલ મીડિયા સામે પણ આવી ગયા હતા. ટ્રમ્પની તાનાશાહીના ગઢના કાંગરા ખરવા લાગતા છેલ્લે અમેરિકાની જાયન્ટ સોશિયલ મીડિયા કંપની ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટે ગુરૂવારથી જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા હતા અને કેપિટલ હિલની ઘટનાને પગલે યુ-ટ્યુબે પણ ટ્રમ્પના વિડિયો દૂર કર્યા હતા. ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોસ્ટ ર્ક્યું હતું કે, પ્રેસીડેન્ટના વલણથી અમે વધુ જોખમ લેવા માગતા નથી અને જનહિતમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામમાંથી ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી જ્યાં સુધી શાંતિપૂર્વક રીતે પ્રમુખપદનું હસ્તાંતરણ ન થાય ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પના તમામ ખાતાઓ બંધ રાખવામાં આવશે. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષથી અમે પ્રમુખ ટ્રમ્પને અમારા પ્લેટફોર્મ તેમના નિયમોથી વાપરવા દેતા હતા પરંતુ હવે તે આગળ નહીં ચાલે. ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વીટરે તેમની પોસ્ટ હટાવવાનું શરૂ કર્યું હતું. ટ્રમ્પનું પતનનો પ્રારંભ સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયા સુધીની સફર બની રહી હતી.

બિડેનની તાજપોશીનો અંતે ટ્રમ્પે સ્વીકાર કરી લીધો હોય તેમ તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી પ્રક્રિયાથી હજુ પણ નારાજ જ છું અને તેની ગેરરીતિ અંગે કોઈ સમાધાન કરવા માંગતો નથી પરંતુ ૨૦મી જાન્યુઆરીએ નવા પ્રમુખ તરીકે બિડેન સત્તારૂઢ થાય તેમાં મને વાંધો નથી તેમ ટ્રમ્પે કરેલી પોસ્ટ અંગે વ્હાઈટ હાઉસના પ્રવકતાએ જણાવ્યું હતું.