Abtak Media Google News

આઈપીએલનો ‘પ્લે ઓફ’નો માર્ગ પૂરો!!!

અંતિમ મેચમાં રાજસ્થાનનું શરમજનક પ્રદર્શન: ફક્ત ૮૫ રનમાં સમેટાઈ

આઈપીએલની ૫૪મી મેચ શારજાહમાં દિવસની બીજી મેચના રુપે રમાઇ હતી. જેને કોલકાતાએ શાનદાર રીતે જીતી લીધી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાઇ હતી. રાજસ્થાને ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. કોલકાતાએ ૨૦ ઓવરના અંતે ૪ વિકેટ ગુમાવીને ૧૭૧ રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ સુપર ફ્લોપ રમત દર્શાવી હાર મેળવી હતી. ૮૫ રનમાં રાજસ્થાન સમેટાઇ ગઇ હતી. જેથી ૮૬ રને હાર થઇ હતી.

રાજસ્થાન રોયલ્સને હરાવ્યા બાદ કોલકાતાની ટીમ ચોથા ક્રમાંક સાથે પ્લેઓફમાં પહોંચી છે. કોલકાતાને પ્લેઓફમાં પ્રવેશ મળતા મુંબઇની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. મુંબઇ પાસે હજુ એક મેચ છે અને પોઇન્ટ ટેબલમાં હાલ તેનું સ્થાન ૬ઠ્ઠા ક્રમાંકે છે. જો છેલ્લો મેચ મુંબઇ જીતે તો પણ રનરેટ માઇનસમાં હોવાથી હવે તે પ્લેઓફમાં પહોંચી શકશે નહીં.

શરુઆત થી જ રાજસ્થાન રોયલ્સની ટીમ પાણીમાં બેસી ગઇ હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ માટે જાણે કે રન ચેઝનો ટોસ જીતીને ખેલેલો દાવ ઉંધો પડી ગયો હતો. શૂન્ય ના સ્કોર પર જ વિકેટ ગુમાવનાર રાજસ્થાને ૩૫ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. આમ પાવર પ્લેમાં જ રાજસ્થાનની હાર નિશ્વિત લખાઇ ગઇ હતી.

ઓપનર યશસ્વી જયસ્વાલ ૩ બોલ રમીને શૂન્યમાં આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોને ૬ બોલમાં ૬ રન કર્યા હતા. કેપ્ટન સંજૂ સેમસને ૪ બોલમાં ૧ રન જ કર્યો હતો. શિવમ દુબેએ ૨૦ બોલમાં !૮ રન કર્યા હતા. અનૂજ રાવત ગોલ્ડન ડક આઉટ થયો હતો. જ્યારે ગ્લેન ફિલીપ ૧૨ બોલમાં ૮ રને વિકેટ ગુમાવી બેઠો હતો.

રાહુલ તેવટીયાએ ટીમના સ્કોરને ઉપર લઇ જઇ અત્યંત ખરાબ હાર થી ટીમને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. ૩૬ બોલમાં ૪૪ રન કર્યા હતા. ક્રિસ મોરિસ ૨ બોલમાં શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. જયદેવ ઉનડકટ ૬ રન જ પર આઉટ થયો હતો. ચેતન સાકરિયા ૧ રન કરીને રન આઉટ થયો હતો. મુસ્તફિઝુર રહેમાન નોટ આઉટ રહ્યો હતો.

કોલકાતા તરફે બોલિંગ  કરતા શિવમ માવી અને લોકિ ફરગ્યૂશને રાજસ્થાન રોયલ્સની ટીમને પત્તાના મહેલની માફ ધરાશયી કરી દીધી હતી. શિવમ માવીએ  વિકેટ મેળવી હતી. જ્યારે લોકિએ ૩ વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ એક વિકેટ મેળવી હતી. જ્યારે શાકિબ અલ હસને પણ એક વિકેટ મેળવી હતી. સુનિલ નરેન ખૂબ ખર્ચાળ બોલર રહ્યો હતો.

ટોસ હારીને મેદાને રમતમાં ઉતરેલી કોલકાતાની ટીમે શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. બંને ઓપનરોએ સારી શરુઆત રાજસ્થાન સામે બેટીંગ કરતા આપી હતી. શુભમન ગિલે બેક ટુ બેક બીજુ અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે ૪૦ બોલમાં અર્ધ શતક ૨ છગ્ગા સાથે પુર્ણ કર્યુ હતુ. તેણે ૪૪ બોલમાં ૫૬ રન કર્યા હતા. વેંક્ટેશન ઐય્યરે ૩૫ બોલમાં ૩૮ રન કર્યા હતા. તેણે ૨ છગ્ગા અને ૩ ચોગ્ગા વડે પોતાની રમત રમી હતી.

નિતીશ રાણા ૫ બોલમાં ૧૨ રન કરીને વિકેટ ગુમાવી હતી. તેણે ૧ છગ્ગો અને ૧ ચોગ્ગો લગાવ્યો હતો. તે વધુ એક છગ્ગો લગાવવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી ૧૪ બોલમાં ૨૧ રન કરીને વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક અને કેપ્ટન ઇયોન મોર્ગને સ્કોરને પડકારજનક બનાવાવ માટે પ્રયાસ કર્યો હતો. અણનમ રહેલા કાર્તિકે ૧ છગ્ગા સાથે ૧૧ બોલમાં ૧૪ રન કર્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગને અણનમ ૧૩ રન ૧૧ બોલમાં ૧ છગ્ગા અને ૧ ચોગ્ગા વડે કર્યા હતા.

૧૫ ઓવર પહેલા જ રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ૭ બોલરોને અજમાવી લીધા હતા. પરંતુ કોલકાતા એક્સપ્રેસ રોકાવાનુ નામ લઇ રહી નહોતી. ચેતન સાકરિયાએ ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસે ૪ ઓવર કરીને ૨૮ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.

રાહુલ તેવટિયાએ એક ઓવર કરીને ૧૧ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. ગ્લેન ફિલીપ્સે ૧ ઓવરમાં ૧૭ રન લુટાવ્યા હતા. મુસ્તફિઝુર રહેમાને ૪ ઓવરમાં ૩૧ રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે ૪ ઓવરમાં ૩૫ રન ગુમાવ્યા હતા. શિવમ દુબેએ ૨ ઓવરમાં ૧૮ રન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.