- શાકભાજીના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો
જેમ જેમ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને વરસાદ ખેંચાઈ રહ્યો છે, તેમ તેમ આપણા રસોડાનું બજેટ પણ દઝાડી રહ્યું છે. શાકભાજી, જે આપણા દૈનિક આહારનો અનિવાર્ય ભાગ છે, તેના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. રાજકોટના માર્કેટમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, અને તેની સીધી અસર ભાવ પર દેખાઈ રહી છે. શાકભાજીના ભાવમાં સરેરાશ 10 થી 20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓ માટે રસોઈ બનાવવી એક પડકાર બની ગઈ છે. હવે તો કદાચ ગવાર, ચોળી, ભીંડા કે કારેલા જેવા શાક આપણા થાળીમાંથી ગાયબ થઈ જાય તો પણ નવાઈ નહીં.
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા કંઈક વધારે જ છે. પહોંચી સૌથી મોંઘુ શાક બની ગયું છે. આ વધતા ભાવોના કારણે ગૃહિણીઓ રસોડામાંથી શાકભાજી ગાયબ કરી, વૈકલ્પિક રીતે કઠોળ બનાવીને પોતાનું બજેટ સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.
ગરમીના કારણે શાકભાજી ઝડપથી બગડી જાય છે, જેના કારણે વેચાણ માટે ઉપલબ્ધ જથ્થો ઘટી જાય છે. વરસાદ ખેંચાવાને કારણે નવા શાકભાજીની વાવણીમાં વિલંબ થયો છે, જેથી આગામી સમયમાં પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.
માંગ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવ વધે છે.: ઇન્સ્પેક્ટર ચાવડાભાઈ
શાકભાજીના ભાવ વધારા પાછળના કારણો બહુ સ્પષ્ટ છે. મુખ્ય કારણ છે પ્રતિકૂળ હવામાન. અબ તક સાથેની વાતચીતમાં, શાકભાજી ઇન્સ્પેક્ટર ચાવડાભાઈએ સ્પષ્ટતા કરી કે ગરમીના કારણે શાકભાજીનો પાક ઓછો ઉતરે છે.
જે શાકભાજી આવે છે, તે પણ ગરમીને કારણે ઝડપથી બગડી જાય છે, જેનાથી વેચાણ માટે ઉપલબ્ધ જથ્થો ઘટી જાય છે. આ ઉપરાંત, વરસાદ ખેંચાતા નવા શાકભાજી આવતા હજુ ઘણો સમય લાગશે. આ બધા પરિબળો ભેગા મળીને બજારમાં શાકભાજીની અછત ઊભી કરે છે, અને માંગ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવ વધે છે.
આ સ્થિતિ માત્ર ગૃહિણીઓના ખિસ્સા પર જ નહીં, પરંતુ તેમના આહાર અને પોષણ પર પણ અસર કરે છે. મોંઘવારીના આ સમયમાં, લોકો સ્વાભાવિક રીતે સસ્તા વિકલ્પો તરફ વળે છે, જેનાથી ભોજનમાં વિવિધતા ઘટે છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો, ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારો માટે પૂરતું પોષણ મેળવવું મુશ્કેલ બની શકે છે. આ પડકારજનક સમયમાં, ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો એમ સૌ કોઈ ભાવ સ્થિર થાય અને ચોમાસુ પાક સમયસર આવે તેવી આશા રાખી રહ્યા છે.
શાકભાજીના ભાવ
ભીંડા રૂ 120-130 કિલો
રીંગણા રૂ 100 કિલો
ગવાર રૂ 120 કિલો
ચોળી રૂ 130 કિલો
કારેલા રૂ 100 કિલો
ટામેટા રૂ 70-80 કિલોના
આદુ રૂ 200 પ્રતિ કિલો