Abtak Media Google News

પવન ચક્કીના કારણે માતાજીનું મંદિર અને ધૂણો તોડી પાડવાના કારણે કડુકા અને ખડકાણાના રહીશોમાં વિરોધ: ૧૨ શખ્સો સામે નોંધાતો ગુનો: કલેકટરને રજૂઆત કરતા ઉશ્કેરાય પવન ચક્કીના સંચાલકો સહિતના શખ્સોએ ફાયરીંગ કરતા નાસભાગ: પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

વિછીંયા નજીક આવેલા ખડકાણા નજીક પવન ચક્કીનું કામ શરૂ કરવામાં આવતા ખોડીયાર માતાજીનું મંદિર અને ધૂણા તોડી પાડતા કડુકા અને ખડકાણાના રહીશોની ધાર્મિક લાગણી દુભાતા પવન ચક્કીનો વિરોધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા પવન ચક્કીના સંચાલકો ઉશ્કેરાયા હતા અને ૪૦થી ૫૦ના ટોળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ધારિયાથી હુમલો કરતા નાસભાગ મચી ગયો હતો. હુમલામાં ત્રણ ઘવાયા હતા. પોલીસે ૧૨ જેટલા શખ્સો સામે ગુનો નોંધી ખડકાણા ગામે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખડકાણા ગામથી ગુંદાળા તરફ જતા માર્ગ પર બિલેશ્ર્વર તિર્થધામ નજીક પવન ચક્કીને મંજુરી આપવામાં આવતા પવન ચક્કીના સંચાલકો દ્વારા ખોડીયાર માતાજીનું મંદિર અને ઘૂણો તોડી પવન ચક્કીનું કામ શરૂ કર્યુ હોવાથી કડુકા અને ખડકાણા ગામના રહીશોની ધાર્મિક લાગણી દુભાતા તાલુકા પંચાયતના ભુતપૂર્વ સભ્ય વલ્લભભાઇ પ્રેમજીભાઇ બેરાણી સહિત ૫૦ જેટલી વ્યક્તિઓ દ્વારા જસદણ મામલતદાર અને રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.

કડુકા અને ખડકાણાના રહીશો આવેદન પત્રની નકલ ખડકાણા ગામે પવન ચક્કીના સંચાલકોને આપવા માટે ગઇકાલે સાંજે ગયા હતા ત્યારે કોટડાના અનિલ જોગરાજીયા, ખીમજી જોગરાજીયા, નયન જોગરાજીયા, હીંગોળગઢના મશ‚નો ભાઇ, વિછીંયાના ત્રણ કાઠી અને પાંચ થી છ જેટલા અજાણ્યા શખ્સોએ તમંચા જેવા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ધારિયાથી હુમલો કરતા ભાજપના વલ્લભભાઇ પ્રેમજીભાઇ, અરવિંદભાઇ અને આંબાદાન ગઢવી ઘવાતા રજૂઆત કરવા ગયેલા ટોળામાં નાસભાગ મચી ગઇ હતી. ઘવાયેલા અરવિંદભાઇ અને આંબાદાન ગઢવીનો હજી સુધી પતો નથી. ખડકાણા ગામે અથડામણ થયાની પોલીસને જાણ થતા જસદણ પોલીસ મથકના પી.એસ.આઇ. ગોસાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં પવન ચક્કીના સંચાલકો અને તેના મળતીયાઓ કડુકા અને ખડકાણાના રહીશોને ધમકાવતા હોવાનો વલ્લભભાઇ પ્રેમજીભાઇએ આક્ષેપ કર્યો હતો.

પોલીસે પવન ચક્કીના ૧૨ જેટલા સંચાલકો અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધી ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.