‘તને માર ખાવાનો રસ છે’ કહી વૃધ્ધ રિક્ષાચાલકને માર, સીટી બસ ચાલક અને કંડકટરનો વીડિયો વાયરલ

રાજકોટના કાલાવડ રોડ પરનો એક વીડિયો વાયરલ થયો છે. જેણે શહેરભરમાં ચર્ચા જગાવી છે. રાજકોટ સીટી બસ ચાલક અને કંડકટર બંને ભેગા મળી એક વૃધ્ધ વ્યક્તિને માર મારતા હોય તેવો  વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ બનાવ કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણની સામે બન્યો છે.

વીડિયોમાં રિક્ષાચાલક વૃદ્ધને સીટી બસ ચાલક અને કંડકટર ધમકાવી ગાળો ભાંડી રહ્યા છે. તને માર ખાવાનો શોખ છે..? તેમ કહી વૃદ્ધને માર મરાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રિક્ષાચાલકે બસ જોઈને ચલાવવાનું કહેતા સિટિ બસના ચાલક અને કંડકટર ગુસ્સે ભરાઈ જાહેરમાં માર માર્યો છે.

લોકોને કનડગત કરાતાં કોઈ પણ બનાવ સાંખી નહીં લેવાય

આ વીડિયો બાબતે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નિવેદન આપતા કહ્યું છે કે  રાજકોટ રાજપથ લિમિટેડના કર્મચારીઓની તપાસમાં કોઈ ભૂમિકા સામે આવશે તો અમે કડકમાં કડક કાર્યવાહી કરશું. લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા કોઈ પણ બનાવ નહિ ચલાવી લઈએ.